કોલેજના આચાર્યની બેગ તફડાવી બે ઈસમો ફરાર: ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/bike-loot-scaled.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માનવ મંદિરના ગેટ પાસે ભરૂચની SVMIT કોલેજના પ્રિન્સિપાલની બેગમાં રહેલ લેપટોપ અને રોકડા રૂપિયા ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી બાઈક પર આવેલ ચાર ઈસમો ફરાર થતા અંકલેશ્વર જીઆઈડિસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ મીરા માધવ રેસીડેન્સીમાં રહેતા દિપક અશોક દેવરે છેલ્લા અગિયાર વર્ષથી ભરૂચની SVMIT કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.
જેઓ ગતરોજ સાંજે કોલેજ ખાતેથી પોતાની કાર નંબર જીજે ૧૬ સીએન ૨૮૪૯ લઈ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે વી.પટેલ આંગણિયા પેઢી માંથી રોકડા ૯૨ હજારથી વધુની રકમ લઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા.તે દરમ્યાન અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માનવ મંદિરના ગેટ પાસે પાછળ થી સ્પોર્ટ બાઈક આવતા પાછળ બેઠેલ ઈસમે તેને વાગ્યું હોવાનો ઈશારો કરતા આચાર્યએ
તેઓની કાર માર્ગની બાજુમાં ઉભી કરી વાતચીત કરતા હતા.તે દરમ્યાન અન્ય સ્પોર્ટ બાઈક પર આવેલ બે ઈસમો આચાર્યની કારનો દરવાજાે ખોલી રૂપિયા ૯૨ હજારથી વધુની રકમ અને લેપટોપ મળી ૧ લાખના મુદ્દામાલની ચોરી કરી બે બાઈક પર આવેલ ચારેય ઈસમો અલગ અલગ દિશામાં ફરાર થતા ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.