કોલેજીયન યુવતીનું અપહરણ કરનાર બે શખ્શોને ગણતરીના કલાકોમાં દબોચતી પોલીસ :જેલના સળિયા પાછળ ધકેલાયા
મોડાસા:મોડાસાની કોમર્સ કોલેજમાં એમ.કોમમાં અભ્યાસ કરતી છાત્રાએ સગાઈ કરવાની ના પાડતાં માલપુર તાલુકાના પૂજારાની મુવાડીના શખ્સે તેનું મંગળવારે મોડાસાના કોલેજ રોડ પરથી બોલેરોમાં અપહરણ કરી તેના બે મિત્રોની મદદથી નાસી છૂટયો હતો. અપહરણકર્તા યુવતીને પુજારાની મુવાડીથી પોલીસે બચાવી લીધી હતી. પોલીસે સાંજે ૧) રણજીતભાઈ મણીભાઈ પુજારા (રહે.પુજારાની મુવાડી) ,૨)અજયકુમાર મોતીભાઈ ખાંટ (રહે.સરદાર ખાંટની મુવાડી )તા.માલપુર નામના આરોપીઓને ચોરીવાડ ચોકડીથી માલપુર પોલીસે બંને અપહરણકર્તાને ઝડપી લીધા હતા.
મોડાસા શહેરના કોલેજ રોડ પરથી મંગળવારે સવારે ૭:૩૦ વાગ્યાના સુમારે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું બોલેરો જીપમાં અપહરણ થતા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલે “રેડ એલર્ટ સ્કીમ” મૂકી તેમના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, એસ.ઓ.જી. મોડાસા ટાઉન-માલપુર- મેઘરાજ- પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અપહરણ કરતા યુવતીને બચાવવા કવાયત હાથધરી હતી બાતમી આધારે માલપુર પોલીસ ઇન્સ્પેક્ટર જયેશભાઈ ભરવાડ તથા સ્ટાફના માણસો સાથે ચોરીવાડ ચોકડીથી પકડી જેલ હવાલે કર્યા હતા.
મેઘરજ તાલુકાના લીંબોદરાની યુવતી મોડાસાની કોમર્સ કોલેજમાં એમ.કોમ.માં અભ્યાસ કરે છે. મંગળવાર વહેલી સવારે યુવતી મોડાસા આવી હતી. યુવતી તથા તેની સહાધ્યાયી બન્ને મોડાસા કોલેજ રોડ ઉપર ચાલતા જતા હતા દરમિયાન મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ પાસેથી સવારે 7.30 કલાકે પસાર થતાં અચાનક તેમની આગળ બોલેરો (જીજે 24 વી.7534) આવીને ઉભી રહી હતી બંને વિદ્યાર્થીનીઓ કંઈ પણ સમજે તે પહેલા બોલેરોમાંથી રણજીત પૂજારા નીચે ઉતરી યુવતીને બળજબરાઈ પૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરતા યુવતીએ ખેંચતાણ કરી બૂમાબૂમ કરતા પાસેથી પસાર થતા એક્ટીવા ચાલકે ગાડી આગળ એક્ટીવા ઉભું કર્યુ હતુ.
જોકે ડ્રાઇવર એક્ટિવા ચાલકને મારી નાખવાના ઇરાદે એકટીવા ઉપર ગાડી નાખી હતી. ગાડીમાં રહેલા અન્ય બે શખ્સોની મદદથી યુવતીનું અપહરણ કરી તેની પાસે રહેલો મોબાઇલ ઝુંટવી લઈ ગાડી ભેરુંડા રોડ તરફ ભગાવી મૂકી હતી અને જો યુવતી તેની સાથે લગ્ન કરવાની મનાઇ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગણતરીના કલાકો મા જ યુવતીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી લીધી હતી. પોલીસે મોડી સાંજે ચોરીવાડથી ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા.