કોલેરાના કેસ વધતા અમદાવાદ મ્યુનિ. તંત્ર એલર્ટ
દરરોજ કમળાના દસ અને ઝાડા-ઉલ્ટીના પ૦થી વધુ કેસ મળી આવતાં ચિંતા વધી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં હવે જ્યારે ચોમાસાએ ધીમે ધીમે જમાવટ કરી છે તેવા સમયે સ્વાભાવિકપણે રોગચાળો લોકોને ડરાવશે. વરસાદથી મચ્છરજન્ય રોગો દેખીતી રીતે માથું ઉંચકશે, પરંતુ અમદાવાદમાં જે પ્રકારે વિભિન્ન ખાદ્યસામગ્રીઓમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક હદે વધતું જાય છે અને પાણી-ગટર લાઈનના લીકેજના પ્રશ્નો અટકતા નથી.
તેના કારણે પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ઉનાળાની ગરમીના દિવસો કહેવાય તેવા જૂન મહિનાના રર દિવસમાં જ ઘાતક કોલેરાના ૩૯ સત્તાવાર કેસ તંત્રના ચોપડે નોંધાઈ ચૂકયા છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદીઓએ ચોમાસા દરમિયાન કોલેરા સહિતના પાણીજન્ય રોગોથી ખાસ સાવધાન રહેવું પડશે અને બહારની ખાણી-પીણી ટાળવી પડશે.
મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન દ્વારા રોગચાળાને નાથવા માટે સંબંધિત હેલ્થ વિભાગ અને ફૂડ વિભાગને આવશ્યક સૂચનાઓ અપાઈ ગઈ છે. મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મૂકવા માટે હેલ્થ વિભાગે ઈન્ડોર થર્મલ ફોગિંગ સહિતની એક્ટિવિટી હાથ ધરી છે. જ્યારે ફૂડ વિભાગને ખાદ્યપદાર્થોની ભેળસેળ પર નિયંત્રણ મૂકવા ખાદ્યપદાર્થોના વધુને વધુ નમૂનાઓ લેવાની તાકીદ પણ મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદમાં વેચાતા વિભિન્ન ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે. તે સર્વવિદિત વાત છે. આના કારણે પણ પાણીજન્ય રોગચાળો હવે બારમાસ રોગચાળો બની ગયો છે. જૂન મહિનાના છેલ્લા રર દિવસ દરમિયાન પાણીજન્ય રોગચાળાના મ્યુનિ. હેલ્થ વિભાગના ચોપડે નોંધાયેલા સત્તાવાર આંકડા ભારે ચોંકાવનારા છે. આ છેલ્લા રર દિવસ દરમિયાન ટાઈફોઈડ, કમળો, ઝાડા-ઉલ્ટી અને કોલેરાના મળીને કુલ ર૦૦૦ જેટલા સત્તાવાર કેસ તંત્રને મળ્યા છે.
પાણીજન્ય રોગચાળા માટે દૂષિત પાણી પણ એટલું જ જવાબદાર છે. પાણી અને ગટરની લાઈનના લીકેજ, પંપથી પાણી ખેંચવું વગેરે બાબતોથી પણ લોકોને પીવાનું પાણી મળતું નથી એટલે પાણજન્ય રોગચાળો વરસાદ ન હોવા છતાં પણ જૂનના છેલ્લા રર દિવસમાં વકર્યો છે.
હેલ્થ વિભાગના સત્તાવાર રેકોર્ડમાં દર્શાવ્યા મુજબ ૧થી રર જૂન દરમિયાન ઝાડા-ઉલ્ટીના કુલ ૧૧પ૩ કેસ, કમળાના કુલ ર૧પ કેસ, ટાઈફોઈડના ૪૮૧ કેસ અને કોલેરાના ૩૯ કેસ નોંધાઈ ચૂકયા છે. એનો અર્થ એ થયો કે આ રોગચાળો હવે ચોમાસાની સિઝન દરમિયાન વધુ પ્રમાણમાં શહેરમાં ફેલાઈ શકે છે.
તંત્રના ૧૦ જૂનથી રર જૂન સુધીના સમયગાળાના સત્તાવાર રિપોર્ટને તપાસીએ તો આ સમયગાળામાં ઝાડા-ઉલ્ટીના વધુ ૬૮પ કેસ, ટાઈફોઈડના વધુ ૩રપ કેસ, કમળાના વધુ ૧૪ર કેસ અને કોલેરાના વધુ ર૦ કેસ મળીને માત્ર ૧૩ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના વધુ ૧૧૬પ કેસ તંત્રના ચોપડે નોંધાયા છે. આ તો સત્તાવાર કેસના આંકડા છે જ્યારે ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં તો ઝાડા-ઉલ્ટી, કમળો અને કોલેરાના કેસનો અંદાજ બેથી ચાર ગણો વધારે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કમળાના કેસની વાત કરીએ તો છેલ્લા રર દિવસથી રોજના લગભગ દસ કેસ તંત્રની સામે આવી રહ્યા છે. ઝાડા-ઉલ્ટીના રોજના બાવન જેટલા કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગમાં પણ ભારે દોડધામ મચી ગઈ છે. ઘાતક કોલેરાના પણ રોજના બે સત્તાવાર કેસ મળી આવ્યા છે જ્યારે ટાઈફોઈડના મામલે રોજ રર નવા કેસ આવી રહ્યા છે. આમ જૂન મહિનાના છેલ્લા રર દિવસ પાણીજન્ય રોગચાળાના મામલે લોકોને ચેતવણી આપનારા બન્યા છે.
મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ૧ એપ્રિલ, ર૦ર૪થી રર જૂન ર૦ર૪ સુધીમાં ૮૮,૮૩૧ પાણીના રેસિડયુઅલ કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૩૦૧પ સ્થળોએ કલોરીન નીલ જોવા મળ્યું હતું.
જો કે, જૂન મહિનાના છેલ્લા રર દિવસમાં પપ૩ સ્થળોએ કલોરિનનો અભાવ હોવાનું સામે આવ્યું હતું જ્યારે અનફિટ પાણીના સેમ્પલનો રિપોર્ટ દર્શાવે છે કે, ૧ જાન્યુઆરીથી રર જૂન ર૦ર૪ સુધીમાં હેલ્થ વિભાગે બેકટેરિયોલોજિકલ તપાસ માટે કુલ ર૪૯૬૦ પાણીના નમૂના લીધા હતા જે પૈકી પ૮૧ નમૂના અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે જૂન મહિનાના છેલ્લા રર દિવસમાં ૮૯ સ્થળોએથી લીધેલા પાણીના નમૂના અનફિટ હતા.