Western Times News

Gujarati News

એવું તે શું થયું કે અપહરણકારોએ વેપારીના ચુંગાલમાંથી બચી ગયો

કોલ્હાપુરથી વેપારીનું અપહરણ કરાયું , રાજસ્થાન લઇ જવાતાં પહેલાં છૂટકારો-૩૦થી ૩૫ લાખની લેતીદેતીમાં અપહરણ કરાયું હતું –ચારેય શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરાતા ભોગ બનનાર અને આરોપીઓ વેપારી છે

અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક વિભાગના એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમે ચૂંટણી સંદર્ભે વાહન ચેકિંગ કરતા તપોવન સર્કલ નજીકથી અપહરણકર્તાઓને ઝડપી લીધા હતા. ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક સ્વીફ્ટ ગાડીમાં પાંચ લોકો સવાર હતા. જે તમામ લોકોની પૂછપરછ કરતા પોલીસને શંકા ઉપજી હતી.

પાંચમાંથી એક શખ્સે પોતાનું અપહરણ થયુ હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસે સમયસૂચકતા દાખવીને અપહૃતને મુક્ત કરાવી ચાર આરોપીની અટકાયત કરીને મહારાષ્ટ્રની પન્હાળા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનના પીઆઇ એન. એમ. પંચાલની ટીમ ચૂંટણી સંદર્ભે તપોવન સર્કલ નજીક વાહન ચેકિંગ કરી રહી હતી

ત્યારે નડિયાદ પાસિંગની એક સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકી હતી. ગાડીમાં બેઠેલા પાંચ લોકોની પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતા પોલીસની શંકા દૃઢ થઇ હતી.

તેવામાં ગાડીમાં બેઠેલા હરચંદરામ પુરોહિત (ઉ. ૪૫, રહે. કોલ્હાપુર, મહારાષ્ટ્ર)એ તેની સાથેના ચાર શખ્સોએ તેમનું અપહરણ કર્યુ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે અપહૃત હરચંદરામને મુક્ત કરાવીને ચાર લોકોની અટકાયત કરી હતી. પોલીસે દિનેશ પુરોહિત, મહેન્દ્ર પુરોહિત, સમેરારામ પુરોહિત અને સંજયકુમાર મેઘવાલ (તમામ રહે. રાજસ્થાન)ની અટકાયત કરી તપાસ કરતા તે તમામ લોકો સામે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના પન્હાળા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું.

ચારેય શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરાતા ભોગ બનનાર અને આરોપીઓ વેપારી છે. આરોપીઓએ ભોગ બનનારને માલ આપ્યો હતો જેનું ૩૦થી ૩૫ લાખ જેટલુ પેમેન્ટ ન આપતા અપહરણ કરાયુ હતું. આરોપીઓ મહારાષ્ટ્રથી અપહરણ કરીને ગુજરાત થઇને રાજસ્થાન જતા હતા તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.