કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે
નવીદિલ્હી: કોરોના વાયરસે ફરી એકવાર કેંદ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના નવા કેસ સતત મળી આવ્યા બાદ હવે દિલ્હીમાં પણ કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કોરોના નો પ્રકોપ છે, તેમાં મહારાષ્ટ્રના ૮ જિલ્લા સામેલ છે. ગત એક મહિનામાં મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે.
દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયા કુલ નવા કેસમાંથી ૮૫.૬% કેસ આ રાજ્યોમાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૩,૨૮૫ પોઝિટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ ૧૪,૩૧૭ (કુલ દૈનિક કેસમાંથી ૬૧.૪૮%) લોકો સંક્રમિત થયા છે.
ત્યારબાદ સર્વાધિક નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં કેરળ અને પંજાબ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે ૨,૧૩૩ અને ૧,૩૦૫ નવા કેસ નોંધાયા છે. આઠ રાજ્યો એવા છે જ્યાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાયું છે.ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે ૧,૯૭,૨૩૭ નોંધાઇ છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની ટકાવારી ૧.૭૪% છે. દેશમાં કુલ સક્રિય કેસમાંથી ૮૨.૯૬% દર્દીઓ માત્ર પાંચ રાજ્યોમાં જ હોવાનું નોંધાયું છે. તેમજ, ભારતના કુલ સક્રિય કેસમાંથી ૭૧.૬૯% દર્દી મહારાષ્ટ્ર અને કેરળમાં છે.
મહારાષ્ટ્ર ની સાથે સાથે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોના વધતા જતા કેસ કેંદ્ર સરકારની ચિંતા વધારી રહ્યા છે. દિલ્હીમાં બે મહિના બાદ કોરોનાના ૪૦૯ કેસ સામે આવ્યા જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હીમાં આ પહેલાં નવ જાન્યુઆરીના રોજ કોરોનાના ૫૧૯ કેસ સામે આવ્યા હતા. હાલ દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ફરીથી બે હજારથી વધુ થઇ ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જન્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી આજે સવારે ૭ વાગ્યા સુધીના પ્રાપ્ત હંગામી અહેવાલ અનુસાર, દેશમાં ૪,૮૭,૯૧૯ સત્રોનું આયોજન કરીને કોવિડ-૧૯ વિરોધી રસીના કુલ ૨.૬૧ કરોડથી વધારે (૨,૬૧,૬૪,૯૨૦) ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કુલ ૧.૦૯ કરોડથી વધારે (૧,૦૯,૫૩,૩૦૩) દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૧૫૭ દર્દી સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૭ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં પંજાબમાં ૧૮ જ્યારે કેરળમાં ૧૩ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.