કોવિડ મૃત્યુમાં રાજ્યના પોતાના જ બે આંકડામાં વિરોધાભાસ
અમદાવાદ, ભારત, કેનેડા અને યુ.એસ.ના સંશોધકો દ્વારા એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જે પેપર દર્શાવે છે કે ગુજરાતમાં કોવિડ-૧૯ની બીજી તરંગ જ્યારે તેના ચરમ પર હતી તે એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન એકંદરે તમામ પ્રકારના મૃત્યુ ૨૦૧૮-૧૯માં નોંધાયેલા સરેરાશ માસિક મૃત્યુદરની સરખામણીએ ૨૩૦% જેટલા વધુ હતા.
આ સંશોધન પત્રમાં અંદાજ આપવામાં આવ્યા મુજબ ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ ૧૭,૦૦૦ જેટલા નોંધાતા મૃત્યુઆંકમાં વધારો થઈને એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન પ્રતિ મહિને ૩૯,૦૦૦ મૃત્યુ નોંધાયા હતા. તેમજ બીજી લહેરના આ પીક સમયના સર્વે મુજબ આ મૃત્યુ આંકડા અન્ય ૧૬ ભારતીય રાજ્યો કરતા સૌથી વધુ હતા.
ઈન્ટરનેશનલ જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે આખા ભારતનો સરેરાશ મૃત્યુદર એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન ૧૨૦% જેટલો વધ્યો હતો. આ બે મહિનામાં દેશમાં મૃત્યુ સરેરાશ ૩.૭૫ લાખથી વધીને ૪.૫ લાખ થઈ ગઈ હતી. આ રિસર્ચ સાયન્સ પેપર – તેની વેબસાઇટ પર પ્રીપ્રિન્ટ તરીકે ઉપલબ્ધ છે – દાવો કરે છે કે કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ દેશભરમાં લગભગ ૪.૮ લાખ મૃત્યુના સત્તાવાર આંકડા સામે, વાસ્તવિક આંકડો લગભગ ૩૦ લાખ હોઈ શકે છે જે સત્તાવાર આંકડા કરતા લગભગ ૬-૭ ગણો વધારે છે.
આ સંશોધન પત્ર ‘કોવિડ મોર્ટાલિટી ઇન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ’ નામથી સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયો છે અને તે કેનેડા, ભારત અને યુએસના ૧૧ સંશોધકો દ્વારા ડેટા એકત્રિત કરીને લખાયેલ છે. આ સંશોધકોમાં યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના ડાલા લાના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રભાત ઝા અને અમદાવાદ આઈઆઈએમના ચિન્મય તુમ્બેનો પણ સમાવેશ થાય છે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૧૨૦ દર્શાવાય છે જયારે હવે સરકાર કબૂલી રહી છેકે કે તેના દ્વારા ૪૩ હજાર લોકોને કોરોનાની સહાય ચૂકવવામાં આવી છે. ટૂંકમાં ,સત્તાવાર મૃત્યુઆંક કરતાં ચાર ગણા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તે વાત હવે ખુલ્લી પડી છે.
કોરોનાને કારણે હજારો લોકોના મોત નિપજ્યા છે. જાેકે સરકાર આજે પણ કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૧૨૦ દર્શાવી રહી છે જયારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટમાં કોરોનાથી મૃત્યુ મામલે સહાયના જે આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે તે બંને આંકડાઓમાં જમીન આસમાનનો ફરક છે.SSS