કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટે વૃદ્ધા સાથે દુષ્કર્મ, સારવાર દરમિયાન મોત થયું
રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં એક વૃદ્ધા દુષ્કર્મનો શિકાર બની હતી. જે મામલે પ્રદ્યુમન નગર પોલીસે ગુનો દાખલ કરી સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હિતેશ ઝાલા નામના શખ્સની ધરપકડ પણ કરી હતી. ત્યારે ૧૩ દિવસ બાદ વૃદ્ધાએ પોતાના અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં ૨૯ એપ્રિલના રોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ૨૯ એપ્રિલના રોજ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ની અંદર દાખલ વૃધ્ધાએ પોતાના પરિવારજનોને ફોન કરીને કોઈએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. ગણતરીની મિનિટોમાં આ વાત વાયુવેગે એટલી પ્રસરી કે ખુદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં વૃદ્ધાએ જણાવેલ તમામ હકીકત જણાવી હતી.
સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા દુષ્કર્મ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો સાથે જ વૃદ્ધા જે વોર્ડમાં દાખલ હતી તે વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓનાં પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા તો સાથે જ ફરજ પર હાજર રહેલા એટેન્ડન્ટ તેમજ અન્ય નર્સિંગ સ્ટાફ સહિત તબીબોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
તેમજ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ સહિત સૌ કોઈને આ બનાવ શંકાસ્પદ હોવાનું જણાયું હતું. પરંતુ પ્રાથમિક તપાસ પૂર્ણ થતાં વૃદ્ધા સાથે બદકામ બીજા કોઈએ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર હિતેશ ઝાલા નામના એટેન્ડન્ટે કર્યું હોવાનું સામે આવ્યું હતું.
જે તે સમયે વૃદ્ધાનું ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે તેમને કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
વૃદ્ધા જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડમાં આરોપી એટેન્ડન્ટ ફરજ ઉપર હાજર હતો. તે વૃદ્ધા પાસે આપ્યો હતો અને કહ્યું હતું કે, લાવો હું તમારું માથું દબાવી દઉં. ધીમે ધીમે એટેન્ડન્ટે વૃદ્ધા સાથે શારીરિક અડપલાં શરુ કર્યા હતા. દાખલ થયેલા વૃદ્ધા પ્રતિકાર કરવા સક્ષમ ન હોવાથી તેઓ પ્રતિકાર કરી શક્યા ન હતા. બાદમાં તેઓએ પોતાના પરિવારજનો સાથે વાતચીતમાં પોતાની સાથે થયેલા ઘટના અંગે જણાવ્યું હતું. જે બાબતની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
હિતેશ ઝાલાએ ભોગ બનનારને ધમકી આપી હતી કે, તે જાે કોઈને આ વાત કરશે તો તેને ઇન્જેક્શન આપીને ખતમ કરી દેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગ બનનાર બૂમો ન પાડે તે માટે ઓક્સિજનના માસ્કથી તેમને મોઢે ડૂમો આપી દેવામાં આવ્યો હતો. સાથે જ નરાધમે વોર્ડની તમામ લાઈટો બંધ કરી આ કૃત્ય આચર્યું હતું.