કોવિડ હોસ્પિટલોમાં ICU બેડ અને વેન્ટિલેટર બેડ વધારવા જણાવાયું
વડોદરાની હોસ્પિટલોમાં દર્દીઓના ધસારાના નિયમન અંગે ચર્ચા કરાઈ-ખાસ ફરજ પરના અધિકારીએ આસપાસના આઠ જિલ્લા કલેકટરો સાથે યોજી વિડિયો કોન્ફરન્સ:
વડોદરા, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે વડોદરાની આસપાસના આઠ જિલ્લા કલેકટરો સાથે આજે વિડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો.
ડો.રાવે જણાવ્યું કે છેલ્લા બે દિવસ દરમિયાન વડોદરાની હોસ્પિટલોમાં દાખલ અન્ય જિલ્લાઓના દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે અને એ મોટાભાગના દર્દીઓ દ્વારા આઇસીયુ અને વેન્ટિલેટર બેડ રોકાયેલા છે. તેને અનુલક્ષીને ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાઓના કલેકટરશ્રીઓ સાથે ઓનલાઇન પરામર્શ કર્યો હતો.
તેમને તેમના જિલ્લાઓમાં ડોર ટુ ડોર સર્વેક્ષણ ,હોમ બેઝ કોવિડ કેર ને વધુ અસરકારક બનાવવા અને કોવિડ હોસ્પિટલોના મજબૂતીકરણની સાથે ખાસ કરીને આઇસીયુ બેડ અને વેન્ટિલેટર બેડ વધારવા જણાવ્યું છે.
મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ વચ્ચે સમુચિત સંકલન સુનિશ્ચિત કરીને ઉપલબ્ધ તમામ સુવિધાઓ, માનવ સંપદા અને ઉપકરણોનો પૂલના રૂપમાં સર્વોચિત ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.