કોવિડ-૧૯થી સશસ્ત્ર સીમા દળના કુલ ૧૮ જવાનનાં મોત
નવી દિલ્હી: દિલ્હીમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના ૪૧ વર્ષીય જવાનનું કોવિડ-૧૯ના ચેપથી રવિવારે મોત નિપજ્યું હતું. તેની સાથે મહામારીથી જીવ ગુમાવનારા દળના જવાનોની સંખ્યા ૬ પર પહોંચી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશમાં ૫ કેન્દ્રીય અર્ધસૈનિક દળો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ તેમજ સશસ્ત્ર સીમા દળના ૧૮ જવાનોએ મહામારીથી જીવ ગુમાવ્યો છે.
ગૃહ વિભાગના સુત્રોએ વધુમાં જણાવ્યા મુજબ સીએસઆઈએફના જવાન જીતેન્દ્ર કુમાર(રહે. બાગપત, ઉત્તરપ્રદેશ)નું મોત દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ સાથે તાવ આવતા ગત તા.૧૦મી જૂને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સીઆઈએસએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ફરજ દરમિયાન જવાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દળના એક શોક સંદેશામાં જણાવાયું હતું કે સીઆઈએસએફના મહાનિર્દેશક અને તમામ જવાનો કોરોના વોરિયર જીતેન્દ્ર કુમારની દર્દનાક મોતથી ઉંડા શોકમાં છે. તેમણે પોતાના જીવથી વધારે કોવિડ-૧૯ સામેના જંગમાં પોતાની ફરજને પ્રાથમિકતા આપી. અમે અમારા જવાનના પરિવાર પ્રતિ પણ ઉંડી સંવેદના વ્યકત કરીએ છીએ.
દેશમાં ૧.૬૨ લાખ જવાનોનું સંખ્યા બળ ધરાવતા સીઆઈએસએફમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૬ જવાનના મોત નિપજ્યા છે. દળના જવાનો દેશના ૬૦ એરપોર્ટ તેમજ મુખ્ય ઔદ્યોગિક એકમોની સુરક્ષાની જવાબદારી અદા કરે છે. સીઆઈએસએફમાં શનિવારથી સોમવાર સુધીમાં અન્ય ૨૪ જવાનો ચેપગ્રસ્ત થયા છે. દળના કુલ ૨૫૫ ચેપગ્રસ્ત જવાનોની સારવાર ચાલી રહ્યો છે. જ્યારે ૩૪૭ જવાનો મહામારીને મ્હાત કરી ચૂક્યા છે.