Western Times News

Gujarati News

કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ ઉપાયો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડાકટર્સની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ

File

અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડાકટર્સની બેઠક મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. એકસપર્ટ ગૃપ ઓફ ડાકટર્સ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા વિરષ્ઠ સચિવોએ અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો હતો. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

એક્સપર્ટ કમિટીના તજ્જ્ઞ તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિ માટે સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-૧૯ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા.

આ એકસપર્ટ ગૃપ ઓફ ડાકટર્સના ખ્યાતનામ ડાકટર્સ સર્વશ્રી ડા. અતુલ પટેલ, ડા. તુષાર પટેલ, ડા. આર. કે. પટેલ, ડા. મહર્ષિ, ડા. દિલીપ માવલંકર, ડા. પંકજ શાહ, ડા. અમીબહેન પરીખ અને ડા. વી.એન.શાહ મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં જોડાયા હતા.

આ એકસપર્ટ ગૃપ કોવિડ-૧૯ સામે વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને સુપરવિઝન તથા જાહેર આરોગ્ય-પબ્લીક હેલ્થને સુદ્રઢ કરવાના શોર્ટટર્મ, મિડીયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો ભલામણો રાજ્ય સરકારને આપે છે.
આ એક્સપર્ટ ગૃપે મુખ્યમંત્રીશ્રી સાથેની બેઠકમાં જણાવ્યું કે, હવે લોકોમાં કોરોના અંગેનો ડર ઓછો થાય સાથો-સાથ તેનું સંક્રમણ પણ વધતું અટકે તેવા ઉપાયો અંગે પ્રચાર માધ્યમો સાથે આ તબીબો સમયાંતરે વાતચીત કરી વૈજ્ઞાનિક ઢબે સમસ્યાઓનું નિવારણ લાવવા પ્રયત્નશીલ છે.

તદઅનુસાર, જૂદી-જૂદી કોવિડ હોસ્પિટલમાં ટેલી મેન્ટરીંગ, લોંગ-ટર્મ અને શોર્ટ-ટર્મ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન માટેના વર્કશોપ અને કોવિડ-૧૯ સાથે સંકળાયેલા બધા જ આરોગ્ય કર્મીઓને મોટાપાયે ઓનલાઇન તાલીમ આપવા સાથે આ તબીબો જોડાયેલા છે તેની ભૂમિકા આપી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, કોવિડ-૧૯ સારવાર સહિતની બાબતોના રાજ્યના મુખ્ય સંકલન અધિકારી અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ, સચિવ શ્રી અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ સુરતથી વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.