Western Times News

Gujarati News

કોવિડ-19 કટોકટીના સમયમાં બેંક ઓફ બરોડાની પહેલો ગ્રાહકો માટે રાહતદાયક અને લાભદાયક

વૈશ્વિક રોગચાળાને પગલે અને દેશ લોકડાઉનમાં હોવાથી વિવિધ નાણાકીય અને ધિરાણ સંસ્થાઓ પર આગળ આવવાની અને આ અનપેક્ષિત સ્થિતિમાં સંઘર્ષ કરતાં લોકોની મદદ કરવાની જવાબદારી આવી પડી છે. જ્યારે ભાગીદારી નવી નૈતિકતા, પડકારો અને પ્રતિભાવો દ્વારા થશે, ત્યારે નાણાકીય સંસ્થાઓએ આ “નવા માપદંડ”માં સાનુકૂળ વાતાવરણમાં મોટી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવું પડશે તથા આ જવાબદારીને સમજીને અને ગ્રાહકોની કાળજી રાખતી અતિ મોટી અને અગ્રણી સરકારી બેંકો પૈકીની એક તરીકે બેંક ઓફ બરોડાએ સુનિશ્ચિત કર્યું છે કે, ધિરાણની પ્રક્રિયા જળવાઈ રહેશે.
બદલાતી સ્થિતિ અને ગ્રાહકોની જરૂરિયાતને સમજીને બેંકે સમાજનાં દરેક વર્ગની જરૂરિયાતોને પૂર્ણ કરવા શ્રેણીબદ્ધ સુવિધાઓ અને પહેલોની જાહેરાત કરી છે. બેંકની શાખાઓ, બિઝનેસ કરન્સ્પોન્ડન્ટ અને એટીએમ કોઈ પણ સમયે કાર્યરત છે, જે તમામ માટે રોકડ રકમની જરૂરિયાત પૂર્ણ કરે છે.

બેંકની વિવિધ પહેલો
જ્યારે બેંક ઓફ બરોડા 9,000થી વધારે શાખાઓ ધરાવે છે, ત્યારે 18,000થી વધારે બેંકિંગ કરસ્પોન્ડન્ટ (બીસી) પણ ધરાવે છે, જેઓ દેશભરમાં ગ્રાહકોને સતત સાથસહકાર આપે છે. બેંકે બીસી ટચ પોઇન્ટ પર સ્વચ્છતા અને સલામતી જાળવવા બીસીને નાણાકીય સાથસહકાર આપવાની પણ જાહેરાત કરી છે. સરકારી બેંકોમાં આ પ્રથમ પ્રકારની પહેલ છે, જેનો આશય કોવિડ-19થી બેંક દ્વારા ગ્રાહકો અને જાહર જનતાનાં સભ્યો તથા બિઝનેસ કરન્સ્પોન્ડન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. દરેક સક્રિય અને કાર્યરત બીસી એજન્ટને તેમના આઉટલેટ પર સ્વચ્છતા જાળવવા સેનિટાઇઝર્સ, ડિસઇન્ફેક્ટન્ટ, માસ્ક, ગ્લોવ્સ વગેરેની ખરીદી માટે રૂ. 2000ની નાણાકીય સહાય આપવામાં આવી છે. દરેક બીસી એજન્ટને પરિવહન માટે કામકાજ ચાલુ હોય એવા દરેક દિવસે વધારાનાં રૂ. 100ની ચુકવણી કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) અંતર્ગત મહિલા લાભાર્થીઓ માટે બેંક વ્યવસ્થા ધરાવે છે કે, સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ વધારાની સહાય તરીકે દરેક ખાતાધારકને આગામી ત્રણ મહિના સુધી દર મહિને રૂ. 500 મળશે. આ નાણાં લાભાર્થીના ખાતામાં સીધા જમા થશે અને તેઓ નજીકની શાખામાંથી કે બીસી ટચ પોઇન્ટ પરથી કઈ તારીખે આ રકમ ઉપાડી શકશે એ જાણકારી આપતો એસએમએસ તેમને મોકલવામાં આવશે.

બેંકના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) 12 એપ્રિલ, 2020થી 15 બેસિસ પોઇન્ટ ઘટીને 8.00 ટકા થયા છે. એના રિટેલ ગ્રાહકો માટે બેંકે એના બરોડા રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (બીઆરએલએલઆર)માં 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે, જે 28 માર્ચ, 2020થી લાગુ થયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યા પછી આરબીઆઈના રેપો રેટ સાથે જોડાયેલા બીઆરએલએલઆર 5.15 ટકાથી 4.40 ટકા થયા છે. આ પગલાનો ઉદ્દેશ ક્રેડિટ લાઇનનો લાભ લેવા ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનો છે. આ ક્રેડિટ લાઇન શરૂ થઈ છે અને ખાતરી આપે છે કે, બેંક ગ્રાહકોની ધિરાણની જરૂરિયાતોને સુવિધાજનક રીતે પૂરી પાડવા હંમેશા ઉપલબ્ધ છે. તમામ પર્સનલ લોન માટે અને તમામ પ્રકારની અસ્કયામતની રિટેલ લોન માટે તમામ નવી ફ્લોટિંગ રેટ લોન તેમજ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ)ને ફ્લોટિંગ રેટ લોન માટે બીઆરએલએલઆર હવે 7.25 ટકા છે. હાલની લોન માટે એક્ષ્ટર્નલ બેન્ચમાર્ક હેઠળ વ્યાજનાં દર બીઆરએલએલઆર સાથે સંલગ્ન માસિક અંતરાલ પર નવેસરથી નક્કી થશે. જોકે માર્ક-અપ/બેઝ સ્પ્રેડ કે સ્ટ્રેટેજિક પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં થાય.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) કોવિડ-19 નિયમનકારક પેકેજની જાહેરાતના સંબંધમાં બેંકે 01 માર્ચ, 2020થી 31 મે, 2020 વચ્ચે તમામ હપ્તાની ચુકવણી પર ત્રણ મહિનાની છૂટ પ્રદાન કરી છે, જેમાં કોર્પોરેટ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ), કૃષિ, હાઉસિંગ, ઓટો, એજ્યુકેશન અને પર્સનલ જેવી રિટેલ લોન સહિત તમામ ટર્મ લોન સામેલ છે. મોરેટોરિયમ ગાળા દરમિયાન ટર્મ લોનનાં બાકીના હિસ્સા પર વ્યાજ જમા થવાનું ચાલુ રહેશે. આ પગલાં કોવિડ 19 દ્વારા ઊભા થયેલા વિક્ષેપથી લોનધારકની ઋણ ચુકવવાની ક્ષમતાને થયેલી અસરને હળવી કરવામાં મદદ કરશે અને વ્યવસાયની સાતત્યતા જળવાઈ રહેશે. જે તમામ ગ્રાહકોની માસિક હપ્તો કાપવાની સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શનનો અમલ થઈ ગયો છે, તેમને બેંકે ટેક્સ્ટ મેસેજ કરીને જણાવ્યું છે કે, જો તેમને માર્ચ અને એપ્રિલના હપ્તા રિફંડ મેળવવા હોય, તો તેમને આ સુવિધા મળશે તેમજ તેઓ મે મહિના સુધી હપ્તાની ચુકવણી મુલતવી રાખી શકશે.

ઉપરાંત બેંકે એના હાલનાં રિટેલ લોનધારકો (હોમ લોન, ઓટો લોન અને પ્રોપર્ટી સામે લોન) માટે “બરોડા પર્સનલ લોન કોવિડ 19” શરૂ કરી હતી. એનો ઉદ્દેશ હાલનાં ગ્રાહકોની નાણાકીય પ્રવાહિતતાના અસંતુલન સામે સુવિધા પ્રદાન કરવાનો હતો. ગ્રાહકો સરળતાપૂર્વક રૂ. 5 લાખની મહત્તમ મર્યાદા સુધીની આ પર્સનલ લોનનો લાભ લેવા તેમની હાલની શાખાનો સંપર્ક કરી શકે છે. સ્પેશ્યલ પર્સનલ લોન તરીકે બેંકે એની પર્સનલ લોન યોજનાઓ કરતાં આ સ્કીમમાં બરોડા રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (બીઆરએલએલઆર) સાથે વ્યાજનાં ઓછા દરનું જોડાણ જાળવી રાખ્યું છે તથા ગ્રાહકો 30 સપ્ટેમ્બર, 2020 સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે.

બેંક ઓફ બરોડાએ એના ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા ત્રણ મહિના માટે રિટેલ ગ્રાહકોને ડિજિટલ વ્યવહારો પર ઝીરો ચાર્જીસની તેમજ ગ્રાહકોને સતત અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી. ‘ખુશીયોં કા રિમોટ કન્ટ્રોલ’ સાથે ‘સ્ટે સેફ, બેંક સેફ’ પહેલનો ઉદ્દેશ ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ માટે પ્રોત્સાહન આપવાનો છે તથા તેમને શાખાની મુલાકાત લીધા વિના રિમોટ લોકેશનમાંથી બેંકની સેવાનો લાભ લેવા સજ્જ કરવાનો છે.

એમએસએમઈ અને કોર્પોરેટ ઋણધારકો માટે બેંક ઓફ બરોડાએ શોર્ટ ટર્મ લોન/ડિમાન્ડ લોન જેવી ઇમરજન્સી ક્રેડિટ લાઇન પ્રદાન કરવા ‘બરોડા કોવિડ ઇમરજન્સી ક્રેડિટ લાઇન (બીસીઇસીએલ)’ શરૂ કરી છે. એનો અર્થ એ છે કે, બેંકે હાલની ફંડ આધારિત કાર્યકારી મૂડીની મર્યાદા (એફબીડબલ્યુસી)ની મહત્તમ 10 ટકા કરવાનો નિર્ણય લીધો છે, જે મહત્તમ રૂ. 200 કરોડને આધિન છે. આ હાલની કામચલાઉ/વધારાની/એસએલસી/ગોલ્ડ કાર્ડ લિમિટ ઉપરાંત છે. કોર્પોરેટ ઋણધારકો માટે વ્યાજનાં દર એક-વર્ષ એમસીએલઆર 8.00 ટકા રહેશે, જેમાં સ્ટાન્ડર્ડ પ્રીમિયમ સામેલ નહીં હોય અને એમએસએમઈ માટે વ્યાજનાં દર 7.25 ટકા બીઆરએલએલઆર રહેશે.

કૃષિ ક્ષેત્ર માટે બેંક ઓફ બરોડાએ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ (એસએચજી)ને તેમની ઘરગથ્થું અને કૃષિલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા તથા કોવિડ-19ને પરિણામે એફપીઓ/એફપીસીની કામચલાઉ નાણાકીય પ્રવાહિતતાની અસંગતતાને પૂર્ણ કરવા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ/એફપીસી) માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન સ્વરૂપે તાત્કાલિક નાણાકીય સહાય આપવા વિવિધ યોજનાઓ શરૂ કરી છે. એચએચજી-કોવિડ19 સ્કીમમાં વધારાની ખાતરી અંતર્ગત બેંક કેશ ક્રેડિટ/ઓવરડ્રાફ્ટ/ટર્મ લોન/ડિમાન્ડ લોન સ્વરૂપે હાલના એસએચજી સુવિધાને સપોર્ટ આપશે. એસએચજીદીઠ લોનની લઘુતમ રકમ રૂ. 30000 અને યોજના હેઠળ લોનની મહત્તમ રકમ એસએચજીદીઠ રૂ. 1 લાખ છે, જેને પુનઃચુકવણી 24 મહિનાની અંદર કરવાની હોય છે. આ યોજનાની પુનઃચુકવણી માસિક/ત્રિમાસિક ધોરણે થઈ શકશે અને લોનની રકમ મળ્યાની તારીખથી છ મહિનાનો ગાળો મોરેટોરિયમ પીરિયડ હશે.

બેંક ઓફ બરોડાએ રૂ. 2.00 કરોડથી ઓછી એનઆરઓ, એનઆરઈ અને નોન-કોલેબલ ડિપોઝિટ સહિત ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર ડિપોઝિટના વ્યાજનાં દરમાં પણ ઘટાડો કર્યો છે, જે 9 એપ્રિલ, 2020થી અમલમાં આવ્યાં છે. કોરોનાવાયરસ સામેની લડાઈ માટે પીએમ-કેર્સ ફંડ માટે બેંકના કર્મચારીઓ તરફથી સરકારને કુલ રૂ. 20 કરોડ સુપરત કર્યા છે.

સંયુક્તપણે આપણે સફળતા મેળવીશું
જ્યારે દુનિયા અગાઉ ક્યારેય સાંભળી ન હોય, અગાઉ ક્યારેય જોઈ ન હોય એવી અભૂતપૂર્વ સ્થિતિ સામે સંયુક્તપણે લડાઈ લડી રહી છે, ત્યારે બેંકોને નાણાકીય ઇકોસિસ્ટમને સરળ બનાવવાની જવાબદારી લેવાની અને જરૂરિયાત ધરાવતા લોકોને ધિરાણની મદદ મેળવવા સક્ષમ બનાવવાની જરૂર છે. જ્યારે સંપૂર્ણ ફાઇનાન્સ ક્ષેત્ર ‘નવા નિયમો’ અપનાવવા સજ્જ છે, ત્યારે બેંક ઓફ બરોડા વિવિધ પ્રયાસો અને પહેલો દ્વારા સંપૂર્ણ નાણાકીય સહાય પ્રદાન કરવા અને ભારતીય અર્થતંત્રમાં પ્રદાન કરવાનું જાળવી રાખવા કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.