કોવિડ-19 વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે બેઠક કરી શકે છે PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેક્સીન વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીએમ મોદી એક બેઠક તે આઠ રાજ્યોની સાથે કરી શકે છે જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદશોથી વેક્સીન વિતરણની રણનીતિ પર ચર્ચા સંભવિત છે. વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અત્યાર સુધી અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે.
દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા છેલ્લા થોડાક દિવસોમાં 50 હજારથી નીચે આવી રહ્યા છે, બીજી તરફ રાજ્યોમાં મામલા ઝડપથી વધ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત દેશના કેટલાક શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, તેનું યોગ્ય વિતરણ થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સીન તૈયાર થવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. તેમાંથી ચાર પરીક્ષણ બીજા કે ત્રીજા ચરણમાં છે જ્યારે એક પહેલા કે બીજા ચરણમાં છે.