કોવિડ-19 સામેની લડાઇમાં NCCના કેડેટ્સે પણ સહકાર આપ્યો
સમગ્ર દેશ અત્યારે કોવિડ-19 મહામારીની સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે, ગુજરાત NCC ડાયરેક્ટોરેટમાંથી વધુને વધુ કેડેટ્સ નાગરિક વહીવટીતંત્રને મદદ અને સહાય આપવા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યા છે. લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં, લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે NCCના કેડેટ્સે ખૂબ મોડી સંખ્યામાં વીડિયો અને સંદેશા સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા છે.
રાહત પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે તેમજ લોજિસ્ટિક્સ અને પૂરવઠા સાંકળ વ્યસ્થાપન, હેલ્પલાઇનનું સંચાલન, કતાર અને ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ અન્ય કાર્યો સહિત કોવિડ-19 સંબંધિત કામગીરીઓમાં સંકળાયેલી એજન્સીઓના કામકાજમાં મદદરૂપ થવા માટે આ સ્વયંસેવકોની નિયુક્તિ અંગે ડાયરેક્ટોરેટ દ્વારા પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી.
18 વર્ષથી વધુ વયના માત્ર સિનિયર ડિવિઝનના છોકરાઓ અને સિનિયર વિંગ ગર્લ કેડેટ્સને વહીવટીતંત્રની મદદ સંબંધિત કાર્યોમાં નિયુક્ત કરવામાં આવે છે. જિલ્લા અનુસાર નોડલ અધિકારીઓની યાદી અને સ્વેચ્છાએ સેવામાં જોડાવા માંગતા કેડેટ્સની યાદી તૈયારી કરવામાં આવી છે અને દરેક જિલ્લામાં SPને પહોંચાડવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ આ કેડેટ્સની નિયુક્તિ અંગે તમામ SP અને નાગરિક વહીવટીતંત્રને વિગતવાર માર્ગદર્શિકા મોકલવામાં આવી છે.
જામનગર જિલ્લા ખાતે NCC યુનિટ દ્વારા નાગરિક વહીવટીતંત્રને મદદરૂપ થવ માટે કેડેટ્સની વિગતવાર માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં, અન્ય જિલ્લામાં પણ કેડેટ્સની નિયુક્તિ કરવામાં આવશે. પૂરતા પ્રમાણમાં સ્વયંસેવક કેડેટ્સ ઉપલબ્ધ થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે દિલ્હી ખાતે DGNCC દ્વારા પણ જોગવાઇઓ કરવામાં આવી છે. કેડેટ્સને આ કામગીરીમાં નિયુક્ત કરવા માટે સંમતિ આપવા તેમના માતાપિતા પણ આગળ આવ્યા છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.
આ કામગીરીમાં નિયુક્ત કેડેટ્સને યોગ્ય રીતે સુરક્ષિત રાખવામાં આવશે અને વિવિધ કામગીરીમાં તેમની નિયુક્તિ પહેલાં તમામ પ્રકારની સાવચેતીઓનું પાલન કરવામાં આવશે. દિલ્હી ખાતે DGNCC આ કામગીરીમાં સક્રિયપણે સામેલ છે અને કેડેટ્સની નિયુક્તિ માટે જરૂરી મંજૂરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણના NCC ડાયરેક્ટોરેટના ADG મેજર જનરલ રોય જોસેફે ગુજરાત રાજ્યના સ્ટાફ અને કેડેટ્સના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સ્ટાફ મેમ્બર્સ અને કેડેટ્સને વિનંતી કરી હતી કે, સમાજની મદદ કરવા માટે અગ્ર હરોળના કોવિડ યોદ્ધાઓ તરીકે સેવા આપતી વખતે તેઓ સલામતી અને અને તકેદારીનું સંપૂર્ણ ધ્યાન રાખે.