કોવિડ-19 સો વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બેન્કિંગ એન્ડ ઈકોનોમિક્સ કોન્ક્લેવ દરમિયાન ભારતીય સ્ટેટ બેંક (SBI)ને જણાવ્યું કે, ‘કોરોના વાયરસ છેલ્લા 100 વર્ષ દરમિયાનનું સૌથી મોટું આર્થિક અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું સંકટ છે. કોરોનાના કારણે ઉત્પાદન, નોકરીઓ અને સ્વાસ્થ્ય પર અભૂતપૂર્વ નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. આ સંકટના કારણે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા, વૈશ્વિક વેલ્યુ ચેઈન અને સમગ્ર વિશ્વમાં લેબર એન્ડ કેપિટલ મુવમેન્ટ પ્રભાવિત થયા છે.’
શક્તિકાંત દાસે રિઝર્વ બેંક દ્વારા અર્થતંત્ર માટે જે પગલાં ભરવામાં આવ્યા તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. દાસે જણાવ્યું કે, કોરોના કાળમાં આપણી નાણાંકીય વ્યવસ્થાને બચાવવા અને અર્થતંત્રને મજબૂત કરવા કેન્દ્રીય બેંકે અનેક પ્રકારના પગલાં ભર્યા છે. દેશ માટે નાણાંકીય સ્થિરતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિઝર્બ બેંકે જોખમને ચિહ્નિત કરવા માટે પોતાના મોનિટરીંગ તંત્રને મજબૂત બનાવ્યું છે. ભારતીય અર્થતંત્ર સામાન્ય સ્થિતિ તરફ પાછું ફરી રહ્યું હોવાના સંકેતો દેખાઈ રહ્યા છે. લોકડાઉન અંતર્ગત લાગુ કરવામાં આવેલા વિવિધ પ્રતિબંધોમાં ઢીલ અપાયા બાદ ગતિવિધિઓ વધી છે.