Western Times News

Gujarati News

કોવિશિલ્ડનું ત્રીજા તબક્કાના ટ્રાયલઃ રસી વહેલી આવશે

નવી દિલ્હી, દેશમાં દિલ્હીથી ફરી એકવાર ધીરે ધીરે વધતા કોરોના ખતરા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આગામી વર્ષ ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટર એટલે કે પહેલા ત્રણ મહિનામાં ભારતમાં કોરોના વાયરસની રસી ઉપલબ્ધ થવાની શક્યતા વધી છે. એક તરફ જ્યાં ઘણી વિદેશી રસી તેમના પ્રારંભિક ટ્રાયલના ડેટામાં ૯૦% કરતા વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ દેશમાં પણ રસી વિકસાવવામાં પ્રગતિ થઈ છે. વિશ્વની અગ્રણી કોરોના રસી ઉમેદવારમાંથી એક ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેન્કાની રસી ભારતમાં તેના ત્રીજા તબક્કાના ટ્રાયલનું એનરોલમેન્ટ પૂર્ણ થઈ ગયું છે.

કોવિશિલ્ડ નામની આ રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ઉપલબ્ધ કરાવશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની દેખરેખ હેઠળ તેની આ ત્રીજા તબક્કાની ટ્રાયલ થઈ રહી છે. આ ઉપરાંત એસઆઈઆઈએ અમેરિકન કંપની નોવોવેક્સ(નોવોવેક્સ) સાથે તેમની કોરોના રસી કોવાવેક્સ માટે પણ જોડાણ કર્યું છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, સલામત અને અસરકારક રસી આવતા વર્ષના પ્રારંભમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે જો ટ્રાયલ સફળ થાય અને નિયમનકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી મળે તો રસી જાન્યુઆરી ૨૦૨૧ માં આવી શકે છે. એસઆઈઆઈએ જણાવ્યું છે કે ભારતમાં કોવિશિલ્ડના ટ્રાયલમાં કોઈ સુરક્ષા સંબંધિત ચિંતાનું કારણ નથી.

ભારતમાં હજારો લોકોને તબક્કાવાર ૨/૩ ના ટ્રાયલ હેઠળ રસી આપવામાં આવી છે. જો કે, પૂનાવાલાના જણાવ્યા અનુસાર, રસીના લાંબા ગાળાના પ્રભાવોને શોધવા માટે બેથી ત્રણ વર્ષનો સમય લાગશે. પરંતુ હાલના તબક્કે કોઈ ચિંતાનું કારણ દેખાઈ રહ્યું નથી. કોવિશિલ્ડ રસી કેટલા રુપિયામાં માર્કેટમાં ઉપલબ્ધ થશે તે અંગે તેઓ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, એ બાબતની ખાતરી કરવામાં આવશે કે આ રસી પોસાય તેવા દરે ઉપલબ્ધ કરવામાં આવે. તેમણે કહ્યું, અમને ખાતરી છે કે તે બધા માટે સુલભ હશે.

સીરમ ઇન્સ્ટિટ્યુટની બીજી કોરોના રસી કોવાવેક્સ છે, જે અમેરિકન બાયોટેક ફર્મ નોવોવેક્સના સહયોગથી વિકસાવવામાં આવી છે. તે એક સ્પાઈક પ્રોટીન વેક્સીન છે જને સીરમ ઇન્સ્ટિટ્યૂટ લાઇફ સાયન્સિસ (એસઆઈએલએસ) દ્વારા તૈયાર કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, નોવોવોક્સે ૨૦૨૧ માં એક અબજ ડોઝ સપ્લાય કરવાની ડીલ સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે કરી છે.

આવતા વર્ષની શરુઆતમાં કોરોના રસી આવે તેવી શક્યતા જોતાં સરકારે રસીકરણ માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કોલ્ડ સ્ટોરેજ ચેન અને રસી વિતરણ કેન્દ્રો દેશભરમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ નેટવર્ક દ્વારા રસીના સ્ટોક અને સપ્લાઇ પર નજર રાખવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર રસી વિતરણને આધાર સાથે જોડવાનું પણ વિચારી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રોડમેપ અનુસાર, પહેલા ૨૫-૩૦ કરોડ ભારતીયોને રસી આપવામાં આવશે. તેની અગ્રતા સૂચિ પણ તૈયાર કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.