કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરીમાં મોકલીશું, પ્રાઇવેટ માર્કેટમાં 1000 રૂપિયા હશે કિંમત- પૂનાવાલા
કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે સીરમ ઇન્ટિacટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મંગળવારે કોવિશીલ્ડના 56.5 લાખ ડોઝની પહેલી ખેપ ડિલીવર કરી દીધી છે. સીરમના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝની ડિલીવરી થશે. બીજી તરફ, પ્રાઇવેટ માર્કેટમાં વેક્સીનની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે.
અદાર પૂનાવાલાએ કહ્યું કે, અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ભારતથી વેક્સીન ખરીદવાને લઈ સીરમ અને વડાપ્રધાન કાર્યાલયને વેક્સીન ખરીદવા માટે પત્ર લખ્યા છે. તેઓએ કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટે સરકારને વિશેષ રેટની રજૂઆત કરી છે, જે અમારા ખર્ચથી ઓછી છે, કારણ કે તેનાથી દેશના લોકોની રક્ષા અને તેમની મદદ કરવાને માન્યતા આપી છે.
પૂનાવાલાએ કહ્યું કે, સીરમની પહેલી પ્રાથમિકતા ભારત સરકાર છે. સરકારે 1.1 કરોડ કોવિશીલ્ડનો ઓર્ડર આપ્યો છે. 56.5 લાખ ડોઝની ડિલીવરી થઈ ચૂકી છે. સરકારનો બાકીનો ઓર્ડર 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરી સુધી સપ્લાય કરી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે, SIIમાં અમે દર મહિને સાતથી આઠ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકીએ છીએ. SII વેક્સીનના ડોઝનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માંગે છે.
અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, અમે સામાન્ય નાગરિકો, નબળા, ગરીબ અને હેલ્થકેર વર્કર્સની મદદ કરવા માંગીએ છીએ. તેથી અમે ભારત સરકારના આગ્રહ પર પહેલા એક કરોડ ડોઝ માટે 200 રૂપિયાની વિશેષ કિંમત નક્કી કરી છે. બાકી 5.6 કરોડ ડોઝ માટે પણ અમે યોગ્ય કિમત રાખી છે. તે 200 રૂપિયાથી થોડી વધુ હશે જે અમારી પડતર કિંમત છે. ત્યારબાદ અમે પ્રાઇવેટ માર્કેટમાં તેને 1000 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતથી વેચાશે.