કોવીડ માટેની સરકારની માર્ગદર્શીકા મુજબની નવી દવાઓનો પણ ઉપયોગ વધારવો જોઇએ
ખાનગી હોસ્પીટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જણાવતા કલેક્ટરશ્રી
માઇલ્ડ કોવીડ દર્દીઓ માટે રોગ પ્રતિબંધાત્મક ઉપચાર માટેની નિયત મેડીકલ કીટનો ઉપયોગ કરવો જોઇએ
દાહોદ, કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, ખાનગી હોસ્પીટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, ખૂબ ગંભીર અને ખરેખર જરૂરિયાત હોય તેવા દર્દીને જ રેમડેસિવિર આપવાના છે. ઉપરાંત સરકાર દ્વારા એક માર્ગદર્શીકા બહાર પાડીને નવી દવાઓ જણાવવામાં આવી છે તેનો પણ ઉપયોગ વધારવો જોઇએ.
સાથે માઇલ્ડ કોવીડ દર્દીઓ માટે આરોગ્ય ખાતાં દ્વારા રોગ પ્રતિબંધાત્મક ઉપચાર માટેની નિયત મેડીકલ કીટનો પણ ઉપયોગ કરવો જોઇએ.કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કોરોનાના કેસો હમણાં જે દાહોદ શહેર અને દાહોદ જિલ્લામાં આવે છે તેમાં ઘણી બધી ખાનગી હોસ્પીટલોને પણ દર્દીઓની સારવાર માટેની પરવાનગી આપી છે. ખાસ કરીને ખાનગી હોસ્પીટલોમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન માટે વારંવાર માંગણી આવતી હોય છે.
આ સંદર્ભે વારંવાર સીડીએચઓ-સીડીએમઓ તેમજ શ્રી પહાડિયા દ્વારા ખાનગી હોસ્પીટલો-ડોક્ટરોનું ધ્યાન દોર્યું છે રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્ણ રીતે થવો જોઇએ. જેથી ખરેખર જે દર્દી ખૂબ ગંભીર છે, જરૂરિયાત છે તેવા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી શકાય.
સૌ ખાનગી હોસ્પીટલો અને ખાનગી ડોક્ટરોને મારી ફરીથી અપીલ છે કે રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્ણ રીતે કરે. આ અંગેનું સંકલન આપ કે આપના સ્ટાફ દ્વારા સીડીએમઓની કચેરી સાથે થશે તો ખરેખર જેમને જરૂર છે એવા ગંભીર દર્દીઓને આપણે સમયસર રેમડેસિવિર ઇન્જેક્શન આપી શકીશું.
છેલ્લા બે દિવસમાં સરકાર તેમજ એઇમ્સ, દિલ્હી દ્વારા પણ જે માર્ગદર્શીકા આપવામાં આવી છે જેમાં અન્ય દવાઓ જેવી કે ઇવરમેક્ટિન અને ફેવિપિરાવીર જેવી દવાઓનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. મારી સૌ ડોક્ટરોને વિનંતી છે કે આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહીને આવી પ્રકારની દવાઓનો ઉપયોગ પણ કઇ રીતે વધારી શકાય અને દર્દીને સ્વસ્થ કરી શકાય એ માટેની વ્યવસ્થા સત્વરે કરવાની છે.
દાહોદનું આરોગ્ય ખાતું પ્રોફાઇલ એક્સીસ એટલે કે રોગના પ્રતિબંધાત્મક ઉપચાર માટે પણ કામ કરે છે અને જયાં જયાં કેસો આવતા હોય છે, જે માઇલ્ડ અને હાફ સિમ્ટેમેટિક હોય છે એવા કેસો માટે એક મેડિસિન કિટ બનાવીએ છીએ. જેમાં પેરાસીટામોલ, વિટામિન સી, ઝિંક, એઝિથ્રોમાઇસીન અને આયુષની અલગ અલગ દવાઓ છે તે લેવા માટે આપણે જણાવતાં હોઇએ છીએ.
આ સંદર્ભે મારી સૌને વિનંતી છે કે જે આરોગ્યકર્મી ટીમ સર્વેલન્સમાં જાય કે જે ડોક્ટરમિત્ર છે એ પણ રોગના પ્રતિબંધાત્મક ઉપચારોનો ઉપયોગ વધારે. જેથી દર્દી કોરોનાના ગંભીર સ્ટેજમાં જતા અટકે અને આ બાબત ધ્યાને રાખે જેથી તેમને ઝડપથી સાજા કરી શકીએ.
જિલ્લાના નાગરિકો કોરોના સબંધિત કોઇ પણ માહિતી કે મદદ માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી કોરોના હેલ્પલાઇન નં. ૦૨૬૭૩-૨૩૯૦૫૫ અને ૭૫૬૭૮૯૫૫૦૪ ઉપર કોલ કરી શકાશે. આ ઉપરાંત દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ માટે ફોન નં. ૭૫૬૭૮૯૫૫૦૩, અર્બન હોસ્પીટલ, રળિયાતી માટે ફોન નં. ૬૩૫૯૬૨૧૧૫૩ તેમજ રેલ્વે હોસ્પીટલ, દાહોદ માટે ફોન નં. ૬૩૫૯૬૨૧૧૫૪ ઉપર સંપર્ક કરી શકાશે. ઇજનેરી કોલેજ હોસ્ટેલ ખાતેના કોવીડ કેર સેન્ટર માટે ફોન નં. ૭૫૬૭૮૯૫૫૧૩ તેમજ પોલિટેકનીક કોલેજ ખાતેના કોવીડ કેર સેન્ટર માટે ફોન નં. ૭૫૬૭૮૯૫૫૦૯ ઉપર સંપર્ક કરી શકાશે.