કોવીડ વેક્સિનની કોઇ આડઅસર નથી: દાહોદ નાયબ મામલતદાર ચાર્મી ગુર્જર
દાહોદ જિલ્લામાં કોવીડ વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે વરિષ્ઠ નાગરિકો જેમની વય ૬૦ કે તેથી વધુ છે ઉપરાંત ૪૫ કે તેથી વધુ ઉંમરના કોમોરબીડ વ્યક્તિઓએ સરકાર દ્વારા નિ:શુલ્ક આપવામાં આવી રહેલી કોવીડ વેક્સિનનો સત્વરે લાભ લઇ લેવો જોઇએ.
તેમજ પરિવારના સભ્યોએ પણ તેમને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા જોઇએ. જેથી વડીલો કે જેમને કોરોના થવાની સૌથી વધુ શક્યતાઓ છે, તેમજ કોરોના ગંભીર સ્વરૂપ લે તેવા કોમોરબીડ લોકોને સરકાર દ્વારા બીજા તબક્કામાં વેક્સિન અપાઇ રહી છે. જેથી તેમને કોરોના સામે વેક્સિનનું કવચ મળે.
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સુશ્રી ચાર્મી ગુર્જરે કોવીડ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેઓ કોવીડ વેક્સિનના મહત્વ તેમજ પોતાના અનુભવ વિશે જણાવતા કહે છે કે, ‘મેં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ વેક્સિનની કોઇ પણ આડઅસર નથી. આ બાબતે કોઇ અફવાઓ તરફ ધ્યાન ન આપવું. કોવીડ વેક્સિનના બંને ડોઝ નાગરિકોએ અવશ્ય લેવા.
તેમણે ઉમેર્યું કે, વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે નાગરિકોએ કોરોના સંબધિત સૂચનાઓનું અવશ્ય પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવા નિયમોનું અચૂક પાલન કરવું જોઇએ. અને મેળાવડા તેમજ ભીડભાડથી દૂર રહેવું જોઇએ.
કોવીડ વેક્સિનના બંને ડોઝ લેનારા ગરવર બાકલીયા કહે છે કે ઘરના ૬૦ કે તેથી વધુ વયના વડીલોને કોવીડ વેક્સિન અવશ્ય અપાવો
દાહોદ જિલ્લામાં કોવીડ રસીકરણની કામગીરી જોશભેર ચાલી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં નાગરિકોનો સહયોગ સાપડી રહ્યો છે. અત્યારે ૬૦ કે તેથી વધુ ઉંમરના વડીલોને રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે જિલ્લાના વયોવૃદ્ધ નાગરિકો પણ આ અભિયાનમાં જોડાઇને કોવીડ વેક્સિન લઇ રહ્યાં છે. વેક્સિનેશન બાબતે એ વાતની ખાસ કાળજી રાખવાની છે કે વેક્સિનના બંને ડોઝ નિયત અંતરે લેવાના છે. આ અંગે કોવીડ વેક્સિનના બંને ડોઝ લેનાર કોરોના વોરિયર્સનો આજે અનુભવ જાણીશું.
જિલ્લા સેવા સદન ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવતા શ્રી ગરવર બાકલીયાએ કોવીડ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેઓ જણાવે છે કે, ‘મેં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ વેક્સિનની કોઇ પણ આડઅસર નથી.
આ અંગે ઘણી ખોટી અફવાઓ ચાલી રહી છે. જે તદ્દન ખોટી છે. દાહોદ જિલ્લાના નાગરિકોને હું અપીલ કરૂ છું કે, તેઓ અભય થઇને કોવીડ વેક્સિન લે. તેમજ અત્યારના વેક્સિનેશનના બીજા તબક્કામાં ઘરના વડીલો જેમની ઉંમર ૬૦ કે તેથી વધુ હોય તેમને કોવીડ વેક્સિન અવશ્ય અપાવી જોઇએ.’
જિલ્લામાં કોવીડ વેક્સિનેશન માટે યોગ્યતા ધરાવતા તમામ નાગરિકો સરકાર દ્વારા આપવામાં આવી રહેલી કોવીડ વેક્સિનનો અવશ્ય લાભ લેવો જોઇએ. કોવીડ વેક્સિન માન્ય ખાનગી દવાખાનાઓમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ નાગરિકો વેક્સિનનો લાભ લઇ શકે છે.