કોવેક્સિનમાં વાછરડાના સીરમનો ઉપયોગ પર કેન્દ્ર-કંપનીની સ્પષ્ટતા
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસને માત આપવા માટે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિનને લઈ સતત વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીએ ભારત બાયોટેકની કોવેક્સિનને લઈને એક દાવો કર્યો છે. ગૌરવના કહેવા પ્રમાણે કોવેક્સિન બનાવવા માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબના આધાર પર કર્યો છે. તેમના આ નિવેદનને લઈને કોવેક્સિન અંગેનો વિવાદ વધુ તેજ થયો છે અને ભારત બાયોટેક પણ પોતાના તરફથી સ્પષ્ટતા કરવી પડી છે.
કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીનું કહેવું છે કે, કોવેક્સિનમાં ૨૦ દિવસ કરતાં ઓછી ઉંમર ધરાવતા ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. જાે એવું હોય તો સરકારે પહેલેથી આ અંગે જાણકારી શા માટે ન આપી, કારણ કે તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે.
ગૌરવે ટ્વીટમાં લખ્યું હતું કે, એક આરટીઆઈના જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું છે કે, કોવેક્સિનમાં ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં ૨૦ દિવસ કરતાં ઓછી ઉંમરના વાંછરડાને મારીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જે જઘન્ય અપરાધ છે. આ જાણકારી સૌથી પહેલા લોકોની સામે આવવી જાેઈએ. ગૌરવ પાંધીએ આ મુદ્દે અન્ય ઘણી ટ્વીટ કરી છે અને ગંભીર સવાલો પણ કર્યા છે.
જે આરટીઆઈ શેર કરવામાં આવી છે તેમાં જાણકારી આપવામાં આવી છે કે, કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા પ્રમાણે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ વીરો સેલ્સની રિવાઈવલ પ્રોસેસ માટે કરવામાં આવે છે. આ દાવા બાદ સોશિયલ મીડિયામાં સતત કોવેક્સિનને લઈ સવાલો થઈ રહ્યા છે.