કોસંબામાં ATM તોડી ૮.૬૮ લાખની ચોરી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/default-atm-2-scaled.jpg)
Files Photo
કોસંબા: વેલછા ગામનાં બેંકનાં એટીએમમાં મોડી રાતે ગેસ કટરથી એટીએમ મશીન કાપીને ૮,૬૮,૦૦૦ રુપિયાની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. આ ચોરી માત્ર ૧૩ મિનિટનાં સમયગાળામાં જ કરવામાં આવી હતી. જાેકે, એટીએમમાંથી રુપિયા લઇને ભાગતા ચોરોની ઇકો કારમાં થોડા જ અંતરે પંક્ચર પડ્યું હતુ. જેથી તેઓ તે કાર ત્યાં જ મૂકીને ગામમાં જઇને બીજી ઇકો કારની ચોરી કરીને તેમાં ફરાર થઇ ગયા હતા.
હાલ પોલીસે ગુનો નોંધીને આ ચોરોની તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, કોસંબાનાં વેલછા ગામમાં ચોરો એકવાર એટીએમની રેકી કરીને જાય છે અને બીજી વખત ગેસ કરટથી માત્ર ૧૩ જ મિનિટમાં મશીન કાપીને ૮,૬૮,૦૦૦ રુપિયાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. વેલાછા ગામમાં રેલવે સ્ટેશન રોડ ફળિયામાં આવેલા સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના મકાનમાં ફીટ એટીએમ સેન્ટરમાં રાતના ૨.૩૬ વાગ્યે સફેદ ઈકો કારમાં આવ્યા હતા. આ ચોરીમાં ૫થી વધુ ચોરો હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ લોકોએ લાલ રંગની બુકાની બાંધીને ચોરી કરી હતી.
ચોરોએ ગેસ કટરથી એટીએમ મશીન કાપીને અંદર રહેલી રોકડ મૂકવાની પ્લાસ્ટિકની કેસેટો ખેંચીને તોડીને બહાર કાઢી હતી. આ કેસ ભરેલી પ્લાસ્ટિકની કેસેટો લઈને ઈકો ગાડીમાં ૨.૪૯ વાગ્યે ભાગી ગયા હતાં. એટીએમમાં થોડી જ દૂર જતા માંગરોળ કોસંબા સ્ટેટ હાઈવે પર ખુલ્લી જગ્યામાંથી કેસેટોમાંથી રોકડ કાઢીને બાકીનું ત્યાં જ ફેંકી દીધું હતું. ત્યાં જ જાણ થઇ કે તેમની ગાડીમાં પંક્ચર છે. એટલે આ ચોરો વાહન લેવા માટે ફરીથી બેંક પાસે આવ્યા હતા અને ૨.૫૫ વાગ્યે બેંકની બાજુમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિની ઈકો કારની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
બેંકના મેનેજરને પણ ઇ સર્વેલન્સથી જાણ થતાં તેઓ પણ આવી ગયા હતાં. તસ્કરોએ ખુલ્લા પ્લોટમાં જે બેંકની કેસ કેસેટ ફેંકી હતી તેમા ૯૫૦૦ જેટલી રકમ રહી ગઈ હતી. જેની પોલીસે રિકવર કરી હતી. બ્રાન્ચના બેંક મેનેજરની ફરિયાદ આધારે ૮.૬૮ લાખની ચોરી તેમજ બેંકની બાજુમાં પાર્ક કરેલી ઇકો કારના ૨.૫૦ લાખ મળી કુલ ૧૧,૧૮,૦૦૦ ની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, સુરત ડિસ્ટ્રિકટ બેંકના એટીએમ ઈ સર્વેલન્સ સિસ્ટમના માધ્યમથી જાેડ્યા છે. જેમાં સીસીટીવી સહિત અને બેંકના એટીએમને તોડવાનો પ્રયત્ન કરે તો, એક સાયરન એટીએમ સેન્ટરમાં વાગે છે અને તરત જ મેઈન ઓફિસમાં જાણ થઇ જાય છે.