કોસંબા ખાતે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઇ
સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવીને રાજ્ય સરકાર દ્વારા પોષણના સંદેશ સાથે ગ્રામ્ય કક્ષાએ દરેક ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધાર કર્યો છે.
આ ઉજવણીના ભાગરૂપે આઇ.સી.ડી.એસ. વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકાના કોસંબા ખાતે પોષણ જાગૃતિ માટે રેલી યોજી સફાઇ અપનાવો-બીમારી ભગાવો, માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ દૂધ છે, સમતોલ આહાર-સ્વસ્થ જીવનનો આધાર જેવા અનેકવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે ગામમાં ફરી પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. દરેક બાળકોને પોષણયુક્ત આહાર લેવા ગ્રામજનોને જાણકારી આપવાની સાથે પોષણ અંગેના શપથ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બાળકના પ્રથમ હજાર દિવસ, હેન્ડવોશ એનીમીયા, ઝાડા નિયંત્રણ અને પૌષ્ટિક આહાર વિશે જરૂરી સમજણ આપવામાં આવી હતી. હેન્ડવોશનું પ્રત્યક્ષ નિદર્શન કરી હાથ કેવી રીતે ધોવા જોઇએ તેની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ.ના જ્યોત્સનાબેન, આંગણવાડી કાર્યકરો, હેલ્પર, મુખ્ય સેવિકા, ગામના સરપંચ, ગ્રામજનો હાજર રહયા હતા.