કોહલીએ ઝડપી ૨૨૦૦૦ ઈન્ટનેશનલ રન બનાવ્યા
સિડની: કેપ્ટન વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેમાંથી એક રેકોર્ડ સૌથી ઝડપી ૨૨ હજાર ઈન્ટરનેશનલ રનનો હતો. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ આંકડા સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ ૪૬૨ ઇનિંગ્સ રમી હતી, જ્યારે સચિન ૪૯૩ ઇનિંગમાં આ આંકડો સુધી પહોંચ્યા હતા. મેચની વાત કરીએ તો વિરાટે ૪૧૮ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
બીજી તરફ સચિને તેમની ૪૧૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૧ હજારનો આંકડો પાર કરી લીધો હતો. એટલું જ નહીં, રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની બીજી મેચમાં કોહલીએ વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં મુહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા હતા. કેપ્ટન તરીકેની ૯૧મી મેચમાં કોહલીએ અઝહર (૫૨૪૩)ને પાછળ છોડી દીધા. કોહલીએ અગાઉ ૯૦ મેચની ૮૬ ઇનિંગ્સમાં ૫૧૬૮ રન બનાવ્યા હતા. તેઓ અઝહરથી ૭૫ રન પાછળ હતા. કેપ્ટન તરીકે કોહલીનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે.
વિરાટે વન-ડેમાં કેપ્ટન તરીકે રિપોર્ટ લખવાના સમય સુધીમાં ૨૧ સદી ફટકારી છે. કોહલીએ આ મેચમાં ૮૯ રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે ૮૭ બોલની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ૯૧મી અને આમ ૨૫૦મી મેચ હતી.