કોહલીને કેપ્ટન તરીકે પાંચ હજાર રન પુરા કરવાની તક
કોલકાતા, ભારતીય ટીમ બાંગ્લાદેશની સામે ડેનાઇટ ટેસ્ટ મેચની તૈયારીમાં લાગી છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના નામ ઉપર વધુ એક સિદ્ધિ નોંધાવવા માટે તૈયાર છે. કોહલી કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ હજાર રન પુરા કરવાની નજીક પહોંચી ગયો છે. બીજા ૩૨ રન બનાવી લીધા બાદ કોહલીના કેપ્ટન તરીકે ૫૦૦૦ રન પુરા થશે.
આ સિદ્ધિની સાથે જ કોહલી માત્ર ભારતમાં જ નહીં બલ્કે એશિયાના પ્રથમ કેપ્ટન તરીકે આ સિદ્ધિ મેળવનાર ખેલાડી બની જશે. કોહલી જા કોલાકાતામાં આ સિદ્ધિ હાંસલ કરી લે છે તો ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ૫૦૦૦ રન પૂર્ણ કરશે. તે પહેલા દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર, રિકી પોન્ટિંગ, વેસ્ટઇન્ડિઝના ક્લાઇવ લોઇડ, ન્યુઝીલેન્ડના સ્ટિફન ફ્લેમિંગે આ સિદ્ધિ મેળવી છે. કોહલીના નામ ઉપર હજુ બાવન ટેસ્ટ મેચ છે. કેપ્ટન તરીકે આ બાવન ટેસ્ટ મેચમાં ૮૫ ઇનિંગ્સમાં ૧૯ સદી અને ૧૨ અડધી સદી સાથે ૪૯૬૮ રન બનાવ્યા છે. જ્યારે સ્મિથે ૧૦૯ મેચમાં ૮૬૫૯ રન કર્યા છે જેમાં ૨૫ સદી અને ૩૬ અડધી સદી છે. બોર્ડરના નામે ૯૩ મેચોમાં ૬૬૨૩ રન છે. બોર્ડરે ૧૫ સદી અને ૩૬ અડધી સદી ફટકારી છે. પોન્ટિંગે કેપ્ટન તરીકે રમેલી ૭૭ ટેસ્ટ મેચમાં ૬૫૪૨ રન બનાવ્યા છે જ્યારે લોઇડે ૫૨૩૩ અને ફ્લેમિંગે કેપ્ટન તરીકે ૫૧૫૬ રન બનાવ્યા છે. કોહલીનું ધ્યાન મુખ્યરીતે પ્રથમ ડેનાઇટ ટેસ્ટ મેચમાં વધારે રહેશે. આવતીકાલથી ઇડન ગાર્ડન ખાતે શરૂ થઇ રહેલી આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચની સ્થિતિ છે.
પિંક બોલ સાથે શરૂ થનાર આ ટેસ્ટ મેચનું પ્રસારણ બપોરે એક વાગ્યાથી કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રહાણેનું કહેવું છે કે, બેટ્સમેનોને મોડેથી બેટિંગ કરવાની બાબત મહત્વની રહેશે. કેપ્ટન કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે કોઇપણ રન બનાવ્યા વગર શૂન્ય રને આઉટ થયો હતો. ઇન્દોરમાં રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને ૧૩૦ રને જીત મેળવી હતી. કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સ્મિથના નામ ઉપર છે. સ્મિથે કેપ્ટન તરીકે ૮૬૫૯ રન બનાવ્યા છે.