Western Times News

Gujarati News

કોહલી આઈસીસી વન-ડે રેન્કિંગમાં શ્રેષ્ઠ બેટ્‌સમેન

દુબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વન-ડે રેન્કિંગમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. કોહલી ૮૭૧ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા ૮૫૫ પોઈન્ટ્‌સ સાથે બીજા ક્રમે છે. આમ ભારતના ટોચના બન્ને ખેલાડીઓએ આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના બે સ્થાને દબદબો જાળવી રાખ્યો છે. ઈંગ્લેન્ડનો ખેલાડી જોની બેયરસ્ટોએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શ્રેષ્ઠ દેખાવ કરતા તે ટોચના ૧૦ ક્રમના ખેલાડીઓમાં પહોંચવામાં સફળ થયો છે. બેયરસ્ટોએ ઓસિ સામેની ફાઈનલ મેચમાં ૧૧૨ બોલમાં ૧૨૬ રન ફટકારતા તે ટોપ ૧૦માં પહોંચ્યો હતો.

સીરિઝમાં તેના કુલ ૧૯૬ રન થયા હતા. અગાઉ ઓક્ટોબર ૨૦૧૮માં બેયરસ્ટો નવમાં ક્રમે રહ્યો હતો જે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ ક્રમ હતો. બીજીતરફ ગ્લેન મેક્સવેલ અને એલેક્સ કેરીએ પણ વન-ડેમાં સદી ફટકારતા તેમના રેન્કિંગ્સમાં સુધારા થયા હતા. મેક્સવેલ પાંચ ક્રમ આગળ આવીને ૨૬માં ક્રમે રહ્યો હતો જ્યારે કેરી ૧૧ ક્રમના ઉછાળા સાથે કારકિર્દીના શ્રેષ્ઠ સ્તરે ૨૮માં ક્રમે પહોંચ્યો હતો. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વૉક્સ બોલિંગ રેન્કિંગમાં ત્રણ ક્રમ આગળ આવીને અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ ચોથા ક્રમે પહોંચ્યો હતો.

ઓસિ. સામેની તાજેતરની વન-ડે સીરિઝમાં તેણે છ વિકેટો ઝડપી હતી. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ અને ભારતીય પેસ બોલર જસપ્રિત બુમરાહ બોલિંગ ક્રમાંકમાં ટોચના બન્ને સ્થાને રહ્યા છે. દરમિયાન વૉક્સ ઓલરાઉન્ડરના રેન્કિંગમાં બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડ બે વર્ષમાં પ્રથમ વખત ટોચના ૧૦ બોલર્સની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ થયો છે. ઓસ્ટ્રેલિયાએ તેમની સુપર લીગની પ્રથમ સીરિઝ જીતીને ૨૦ પોઈન્ટ્‌સ મેળવ્યા છે. ૨૦૨૩ના વર્લ્‌ડ કપમાં યજમાન ભારત ઉપરાંત સુપર લીગમાં ટોચની સાત ટીમો સીધું સ્થાન મેળવશે. ઈંગ્લેન્ડ વન-ડે ટીમ રેન્કિંગમાં સૌથી આગળ છે જે બે સીરિઝ રમ્યું છે અને ઘરઆંગણે ૨-૧થી વિજય મેળવ્યો છે. ભારત ટીમ ટેબલમાં બીજા સ્થાને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.