કોહલી T૨૦માં ૯ હજાર રન બનાવનારો પ્રથમ ભારતીય
દુબઈ: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સની સામે પોતાનો ૧૦મો રન બનાવતાની સાથ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી. તે ટી૨૦ ક્રિકેટમાં ૯ હજાર રન પૂરા કરનારો પ્રથમ ભારતીય બની ગયો. આના પહેલ વિરાટ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ અણનમ ૭૨ રનની ઈનિંગ રમીને આ આંકડાની નજીક પહોંચી ગયો હતો.
આ મેચ પહેલા વિરાટ કોહલીના નામે આઈપીએલમાં ૧૮૧ મેચમાં ૫૫૦૨ રન હતા. ઓવરઑલ લિસ્ટ જોઈએ કે, તો ટી૨૦ ક્રિકેટમાં ૯ હજાર રન બનાવનારો કોહલી સાતમો બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની ૨૭૧મી ટી૨૦ મેચમાં દિલ્હીના સ્પિનર હર્ષલ પટેલને ચોગ્ગો ફટકારી ૯૦૦૦ રનનો આંક પાર કર્યો હતો. આના પહેલા ૨૭૦ ઈનિંગ્સમાં તેણે ૪૧.૦૫ રનની સરેરાશથી ૮૯૯૦ રન બનાવ્યા હતા. ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રનની વાત કરીએ તો આ યાદીમાં ક્રિસ ગેઈલ સૌથી આગળ છે. ટી૨૦ના યુનિવર્સલ બૉસ તરીકે જાણીતા ગેઈલે ૪૦૪ મેચમાં ૧૩૨૯૬ રન બનાવ્યા છે. ત્યારબાદ ગેઈલના જ હમવતન કિરોન પોલાર્ડનું નામ આવે છે.
તેણે અત્યાર સુધી ૫૧૭ મેચમાં ૧૦૩૭૦ રન બનાવ્યા છે. તેના પછી આ યાદીમાં શોએબ મલિક (૯૯૨૬), બ્રેન્ડન મેક્કુલમ(૯૯૨૨) , ડેવિડ વૉર્નર (૯૪૫૧) અને એરોન ફિન્ચ (૯૧૪૮)ના નામ આવે છે. આ ઉપરાંત કોહલી આઈપીએલમાં ૨૦૦ સિક્સર્સ પૂરી કરવાની પણ નજીક પહોંચી ગયો છે. કોહલીના નામે અત્યારે ૧૯૨ છગ્ગા છે અને તે આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. કોહલી આ સિઝનમાં વધુ ૮ છગ્ગા લગાવી દેશે તો તે ૨૦૦ આઈપીએલ સિક્સ લગાવનારો ચોથો બેટ્સમેન બની જશે. તેના પહેલા મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને રોહિત શર્મા આ સિદ્ધ મેળવી ચૂક્યા છે. આ યાદીમાં પણ સૌથી વધુ સિક્સ લગાવનારો બેટ્સમેન ક્રિસ ગેઈલ છે.