Western Times News

Gujarati News

કો-ઓપરેટિવ સોસાયટીઓનું મેનેજમેન્ટ વધુ સારી રીતે થાય તે માટે ખરડાને મંજૂરી

સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી હવે ઉઘરાવી શકશે નહીં

(એજન્સી)ગાંધીનગર, કોઈ પણ મકાનની ડીલ થાય ત્યારે સોસાયટી દ્વારા કેટલી ટ્રાન્સફર ફી ઉઘરાવવી એ એક વિવાદનો વિષય છે. ગુજરાત સરકાર આ મામલે એક નવો ખરડો લાવી છે જેને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. તેના કારણે બેફામ વસુલ કરવામાં આવતી ટ્રાન્સફર ફીમાંથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી (સુધારણા) ખરડાને મંજૂરી આપી દીધી છે. વિધાનસભાના બજેટ સત્રમાં આ ખરડો લાવવામાં આવ્યો હતો.

હવે સરકાર આ ખરડા મુજબ નવા નિયમન તૈયાર કરશે. લોકસભાની ચૂંટણી પછી તે કાયદાના સ્વરૂપમાં અમલમાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ કહ્યું કે કોઓપરેટિવ સોસાયટીમાં મકાનનું વેચાણ થાય ત્યારે વધુમાં વધુ ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર ફી નક્કી થાય તેવી શક્યતા છે. સરકાર સોસાયટીઓ દ્વારા લેવામાં આવતા ડેવલપમેન્ટ ચાર્જિસને કન્ટ્રોલ કરશે, અથવા ડેવલપમેન્ટ ચાર્જ વસુલવાની આખી સિસ્ટમ જ બંધ કરી નાખે તેવી શક્યતા છે.

ગયા મહિને વિધાનસભામાં ગુજરાત કોઓપરેટિવ સોસાયટી (સુધારણા) ખરડો રજુ થયો હતો. તેની પાછળનો ઈરાદો કો-ઓપરેટિવ સોસાયટીઓનું મેનેજમેન્ટ વધુ સારી રીતે થાય તે જોવાનો છે. તમામ સભ્યોના હિત જળવાઈ રહે તે માટે આ કાયદો ઘડવામાં આવશે તેમ સરકારે કહ્યું હતું.હાઉસિંગ સોસાયટીમાં કોઈ વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ પાસેથી મકાન ખરીદે ત્યારે તેણે ટ્રાન્સફર ફી આપવી પડતી હોય છે.

આ ટ્રાન્સફર ફી કેટલી હોવી જોઈએ તેના પર ઘણા વિવાદ થયા છે. ઘણી સોસાયટીઓ અત્યંત ઉંચી ટ્રાન્સફર ફી રાખતી હોય છે જેના કારણે સોદા મુશ્કેલ બની જાય છે. સરકારે ૧૯૫૧ના કો-ઓપરેટિવ સોસાયટી એક્ટમાં એક નવી શરત ઉમેરી છે. તે મુજબ હાઉસિંગ સોસાયટીઓ નક્કી કરવામાં આવેલી રકમ કરતા વધારે ટ્રાન્સફર ફી નહીં વસુલી શકે.

આ ખરડો વિધાનસભામાં રજુ કરતી વખતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે હાલના ધારામાં નવા મકાનમાલિક પાસેથી કેટલી ટ્રાન્સફર ફી વસુલવી તેના વિશે કોઈ જોગવાઈ નથી. આ એક્ટ હેઠળ દર વર્ષે ૧૫૦૦ નવી હાઉસિંગ સોસાયટીઓ રજિસ્ટર થાય છે. ફી વિશે કોઈ જોગવાઈ ન હોવાના કારણે સોસાયટીઓ પોતાની મરજી પ્રમાણે ટ્રાન્સફર ફી વસુલતી હતી. કેટલીક વખત આ ટ્રાન્સફર ફી લાખો રૂપિયામાં હોય છે અને સોસાયટીઓ નવા મકાનમાલિકને આટલી મોટી રકમ ચૂકવવાની ફરજ પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.