ક્રાઈમબ્રાંચના અધિકારીઓના નામે બે યુવકોનું અપહરણ

ઘાટલોડિયામાં નકલી પોલીસ બની ત્રાટકેલા લુંટારુઓએ બે યુવકોનું ગાડીમાં અપહરણ કરી ઢોરમાર મારી લુંટી લીધા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે લુંટારુઓ રોજ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી નાગરિકોને લુંટી રહયા છે છેલ્લા કેટલાક દિવસથી નકલી પોલીસને નામે નાગરિકોને ધાકધમકી આપી લુંટવામાં આવી રહયા છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓના નામે ત્રાટકેલા લુંટારુઓએ બે યુવકોનું અપહરણ કરી તેને લુંટી લીધા બાદ તેને જાહેર રોડ પર ફેકી બંને શખ્સો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. યુવકે આ અંગે પોલીસને જાણ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકીને લુંટની ઘટનાઓને અંજામ આપી રહયા છે જેના પગલે નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે. અમદાવાદ શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડેલા છે તેમ છતાં આવી ઘટનાઓ અવિરતપણે બની રહી છે. કેટલાક વિસ્તારોમાં નકલી પોલીસ બનીને ત્રાટકતા લુંટારુઓ નાગરિકોને ધાકધમકી આપી તેઓને લુંટી ફરાર થઈ જાય છે.
આ દરમિયાનમાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સોલા રોડ પર પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતો ૧૯ વર્ષનો યુવક નૈતીક પરેશભાઈ આર્ય એક મહિના પહેલા જ ઘાટલોડિયામાં આવેલી એક કંપનીમાં સેલ્સ એકઝીકયુટીવ તરીકે નોકરીમાં જાડાયો છે જયારે તેના પિતા તૈયાર કપડાનો ધંધો કરે છે. ગઈકાલ સાંજના પ.૦૦ વાગ્યાની આસપાસ નૈતીક તથા તેની સાથે નોકરી કરતો પિતરાઈ ભાઈ ઉર્વિશ ધર્મેશભાઈ ચુનાવાલા (ઉ.વ.૧૯) સાથે નીકળ્યા હતાં.
ઉર્વિશ ચાંદખેડા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન પાસે આવેલા બહુચર ચોકમાં રહે છે બંને પિતરાઈ ભાઈઓ સોલા રોડ એએમટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલી પકોડીની લારી પર પકોડી ખાવા માટે રોકાયા હતાં અને પકોડી ખાધા બાદ બંને જણા એએમટીએસ બસ સ્ટેન્ડની અંદર ગયા હતાં.
નૈતિક અને ઉર્વિશ બસ સ્ટેન્ડની અંદર બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે પ.૩૦ વાગ્યાની આસપાસ એક સફેદ રંગની આઈ-૧૦ ગાડી લઈ ગણેશ હાઉસીંગમાં રહેતો સાહીલ રબારી તથા તેનો મિત્ર હર્ષ બારોટ નામના શખ્સો તેની પાસે આવ્યા હતાં અચાનક જ આવેલા આ બંને શખ્સોને જાઈ નૈતિક અને ઉર્વિશ ગભરાઈ ગયા હતાં આ બંને શખ્સોએ તેમની નજીક આવી આરોપ મુકયો હતો કે તમે લોકો ગાંજા પીવો છો અને તેનુ વેચાણ પણ કરો છો તેમ કહી બંનેને પકડી લીધા હતા અને બળજબરીપૂર્વક ધક્કા મારી બંને ભાઈઓને ગાડીમાં બેસાડી અપહરણ કરી ઉઠાવી ગયા હતાં.
સોલા એએમટીએસ બસ સ્ટેન્ડમાંથી બંને પિતરાઈ ભાઈઓનું ગાડીમાં અપહરણ કર્યા બાદ આ બંને શખ્સોએ બાજુમાં આવેલી સોલાની સ્કુલની ગલીમાં લઈ ગયા હતા અને ત્યાં ગાડી ઉભી રાખી હતી અને બંને શખસોએ જણાવ્યું હતું કે અમે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ છીએ તમારે છુટવુ હોય તો પૈસા આપવા પડશે નહી તો વસ્ત્રાપુર અથવા શાહીબાગની જેલમાં પુરી દઈશું આવી કહી હર્ષ બારોટે તેના મોબાઈલ ફોનથી કોઈને ફોન કરેલો અને બીજા શખ્સને ત્યાં બોલાવેલ સ્થળ પર આવી પહોંચેલા ત્રીજા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમબ્રાંચના અધિકારી તરીકે આપી હતી અને તેના સાગરિતોને જણાવ્યું હતું કે તમારી પાસે જે પૈસા હોય તે આપી દો નહી તો જેલમાં મોકલી દઈશું ગભરાઈ ગયેલા બંને ભાઈઓએ જણાવ્યું હતું કે અમારી પાસે અત્યારે રૂપિયા નથી અને અમે કોઈ ખરાબ ધંધો પણ કરતા નથી.
બંને યુવક નૈતિક અને ઉર્વિશે દલીલ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને ત્યાંથી સાહીલ ઉર્ફે ચકો જતો રહયો હતો અને ત્યારબાદ ત્યાંથી ગાડી ચાલુ કરી બંને યુવકોને થોડે આગળ લઈ ગયા હતા અને ત્યાં તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા આ દરમિયાનમાં ચાલુ ગાડીએ જ અપહરણકારોએ તેમના મોબાઈલ ફોન લુંટી લીધા હતા અને જણાવ્યું હતું કે ઘરેથી પ૦ હજાર રૂપિયા મગાવી દો નહી તો બંનેના મર્ડર કરી નાંખીશું આવી કહી ગાડી ગુરૂકુળ રોડ પર લઈ જવામાં આવી હતી ગભરાઈ ગયેલા બંને યુવકોએ ખૂબ જ આજીજી કરી હતી અને જણાવ્યું હતું કે અમારા પગારના રૂપિયા આવશે તો આપી દઈશું.
જેના પગલે અપહરણકારોએ ફરી ગાડી સોલાની સ્કુલની ગલીમાં લાવી ઉભી રાખી હતી અને ત્યાં ખિસ્સામાંથી પ૦૦ રૂપિયા લુંટી લીધા હતાં અને ચાલુ ગાડીએ જ બંનેને નીચે ઉતારી દીધા હતાં. આ દરમિયાનમાં અપહરણકારોએ ગાડીમાં પડેલી લાકડીઓ બહાર કાઢી માર મારવા લાગ્યા હતાં પરંતુ હિંમત દાખવી બંને ભાઈઓ દોડીને ભાગી ગયા હતા અને તેઓ સીધા જ નૈતિકના ઘરે પહોંચ્યા હતાં.
જયાં બંને યુવકોને ગભરાયેલી હાલતમાં જાઈ તેના માતા પિતા પણ ચોંકી ઉઠયા હતાં અને પુછતા જ બંને જણાંએ સમગ્ર હકીકત જણાવી હતી. નૈતિકના પિતા પરેશભાઈ બંને યુવકોને લઈ સીધા જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં પરંતુ અપહરણકારોએ ખૂબ જ માર માર્યો હોવાથી પોલીસ સ્ટેશનથી સીધા જ આ બંને યુવકોને સોલા સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં બીજીબાજુ ઘાટલોડિયા પોલીસે ત્રણેય અપહરણકારો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેઓની શોધખોળ શરૂ કરી છે.