ક્રાઈમબ્રાંચના અધિકારીના બહાને યુવતિનું અપહરણ
(પ્રતિનિધિ) અમદાવાદ:અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ વચ્ચે એક પછી એક ગંભીર ગુનાઓ બની રહયા છે તસ્કરો અને લુંટારુઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી નાગરિકોને લુંટી રહયા છે આ દરમિયાનમાં શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓના નામે ત્રણ શખ્સોએ એક યુવતિનું રીક્ષામાં અપહરણ કરી રૂ.૩૦ હજારની ખંડણી માંગતા સનસનાટી મચી ગઈ છે. ઈસનપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ આ યુવતિને રીક્ષામાં ફેરવ્યા બાદ તેને છોડી મુકતા મોડી રાત્રે યુવતિ ઘરે આવી પહોંચતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન પાસે આવેલા નર્મદા નગરમાં રહેતો રવિ દિનેશભાઈ શ્રીમાળી નામનો શ્રમિક છુટક મજુરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો નારોલ સર્કલથી ઈસનપુર ચાર રસ્તા રીલાયન્સ સર્કલ પાસે તથા અન્ય સ્થળો પર તે મજુરી કામ કરતો હતો આ દરમિયાનમાં તેને એક યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો. ગઈકાલે સાંજે ૭ વાગ્યે રવિ પોતાના ઘરે હાજર હતો ત્યારે તેના મિત્ર ધર્મેન્દ્રનો તેના પર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે તેના મિત્ર સચિનની રીક્ષામાં બેસીને ઘરે આવી રહયો હતો ત્યારે તેની સાથે રવિની પ્રેમીકા પણ રીક્ષામાં બેઠેલી હતી
નારોલ સર્કલ પાસે તેઓ રીક્ષામાં પરત આવી રહયા હતા ત્યારે અચાનક જ પાછળ એક રીક્ષા આવી હતી અને આ રીક્ષામાં બેઠેલા શખ્સોએ પોતે ક્રાઈમબ્રાંચના અધિકારી હોવાનું જણાવી યુવતિને રીક્ષામાં બેસાડીને જઈ રહયા છે. આ પ્રકારની વાત થતાં જ રવિ શ્રીમાળી ચોંકી ઉઠયો હતો બીજીબાજુ નારોલ સર્કલ પાસેથી રીક્ષામાં આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પોતાનું નામ રાજભા હોવાનું જણાવી આ યુવતિ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી હોવાનું જણાવ્યું હતું તેથી તેને ક્રાઈમબ્રાંચ લઈ જવી પડશે તેવુ કહી રીક્ષામાં બેસાડી દીધી હતી અને ધર્મેન્દ્રને તેની પાછળ આવવા જણાવ્યું હતું. આ દરમિયાનમાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓના નામે આવેલા શખ્સોએ તેમની રીક્ષા એનઆઈડી પાસી ઉભી રાખી હતી અને ત્યાં ધર્મેન્દ્રને ઉભા રહેવા જણાવ્યું હતું.
બીજીબાજુ આ યુવતિના ફોન પર વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ જણાતો હતો જેના પરિણામે રવિ શ્રીમાળી તથા તેના મિત્રો ગભરાયા હતા આ દરમિયાનમાં આરોપીનો ફોન આવ્યો હતો કે યુવતિને લઈને અમે ક્રાઈમબ્રાંચમાં આવ્યા છે અને જા તેને છોડાવી હોય તો રૂ.૩૦ હજાર આપવા પડશે. યુવતિને છોડાવવાના બદલામાં નકલી ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ રૂ.૩૦ હજારની ખંડણી માંગતા રવિ શ્રીમાળી અને તેના મિત્રો ચોંકી ઉઠયા હતા આટલી મોટી રકમ તેમની પાસે નહી હોવાથી આગળ વાત થઈ શકી ન હતી આ દરમિયાનમાં આરોપીઓનો સંપર્ક પણ થઈ શકતો ન હતો યુવતિના અપહરણની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી
આ દરમિયાનમાં અચાનક જ રાત્રે આ યુવતિ ઘરે પરત ફરી હતી અને તેણે જણાવ્યું હતું કે આરોપીઓએ તેને મુકત કરી દીધી છે જેના પગલે રવિ શ્રીમાળી તથા તેના મિત્રો યુવતિને લઈ ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં સમગ્ર ઘટનાક્રમ જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં આ અંગે ફરિયાદ દાખલ કરી આજે સવારથી જ યુવતિને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આી છે.