ક્રાઈમબ્રાંચે સાડા સાત લાખ રૂપિયાના મેફેડ્રોન સાથે બે શખ્સો પકડ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધતાં તંત્રએ નશીલા પદાર્થનો વેપલો કરનાર શખ્શો વિરુધ્ધ લાલ આંખ કરી છે અને છેલ્લાં કેટલાક સમયથી નોંધપાત્ર કામગીરી કરીને કેટલાય ડ્રગ પેડલરોને જેલભેગા કર્યા છે ત્યારે શહેર ક્રાઈમબ્રાચે પણ બે ડ્રગ પેડલરોની અટક કરીને સાડા સાત લાખ રૂપિયાની કિંમતનો મેફેડ્રોન ડ્રગનો જથ્થો પકડી પાડ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે પીઆઈ ડી.બી. બારડની ટીમે બાતમીને આધારે મંગળવારે થલતેજ ન્યુયોર્ક ટાવરની ગલીમાં આવેલા આરોહી એપાર્ટમેન્ટ ખાતે દરોડો પાડયો હતો જયાંથી રવિ મુકેશકુમાર શર્મા નામનો શખ્શ ઝડપાયો હતો.
તપાસ કરતાં ઘરમાંથી ર.૩૮ લાખ રૂપિયાનું ર૩.૮૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. અને બીજા જ દિવસે બુધવારે ત્રાગડ રોડ પર આવેલા સાગા ફલેટના એક મકાનમાં કાર્યવાહી કરીને પ લાખ રૂપિયાની કિંમતનો પ૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો અને એક કાર ઉપરાંત બે મોબાઈલ ફોન સહીત કુલ ૧ર લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે અસીત રમેશભાઈ પટેલ નામના શખ્શને પકડી લીધો હતો.
હાલમાં આ બંને એ નશીલો પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને કોને વેચતાં હતા ઉપરાંત અન્ય કેટલા શખ્શો તેમની સાથે જાેડાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ અંગે વાત કરતા પીઆઈ ડી.બી. બારડે જણાવ્યું હતું કે “હાલમાં આસીત તથા રવિ ઝડપાયા છે જયારે તેમના સપ્લાયર તરીકે પંકજ પટેલ (વૈષ્ણોદેવી) કાર્યરત હોવાનું સામે આવ્યુ છે જે ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકરી કરે છે હાલમાં પંકજ તથા અન્ય એક વ્યકિત જેનું નામ સામે આવ્યુ નથી તે બંનેની શોધ ચાલી રહી છે.”
પ્રાથમિક તપાસમાં દરીયાપુરના ૪ પેડલરો સહીત અન્ય કેટલાંક પેડલરોના નામ પણ ખુલ્યાં છે જેમની તપાસ ચાલી રહી છે. આ તમામ મોટેભાગે પશ્ચિમ અમદાવાદમાં કાર્યરત હતા અને કિટલી તથા ગલ્લા જેવી જગ્યાઓ પર નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા અને યુવાનોને નિશાન બનાવતા હતા હાલમાં ક્રાઈમબ્રાંચ નશીલા પદાર્થોના આ સમગ્ર ષડયંત્રને તોડી નાખવા કમર કસી છે જેમાં વધુ કેટલાંક શખ્શો પકડાવાની સંભાવના છે.