ક્રાઈમ બ્રાંચના અધિકારી બની વેપારી સાથે ૧ર.૮પ લાખની છેતરપીંડી
પોલ ખુલી જતાં ૭.૮પ લાખ પરત કર્યાઃ વેપારીએ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, આંબાવાડીમાં રહેતા એક વેપારીને અમદાવાદ ક્રાઈમબ્રાંચના પીઆઈના નામે ગઠીયાએ ઠગવાની ઘટના બહાર આવી છે. વેપારીના નોકરે કરેલી છેતરપીંડીના કેસમાં તેમના રૂપિયા પરત અપાવવાની વાત કરી કોર્ટના હુકમથી માલ છોડાવવા ઉપરાંત સાહેબને આપવાના બહાના હેઠળ આશરે તેર લાખ રૂપિયા પડાવી લીધા હતા.
બાદમાં આઠ લાખ રૂપિયા પરત કર્યા હતા. આ અંગેની વિગત એવી છે કે આનંદ શુકલા (૪૦) દેવયશ બંગલો, આંબાવાડી ખાતે રહે છે અને કાગડાપીઠ ઘંટાકર્ણ મહાવીર માર્કેટ ખાતે કાપડની દુકાન ધરાવે છે આશરે છ વર્ષ અગાઉ તેમના ત્યાં નોકરી કરતા કમલ ભાટીએ આશરે એક કરોડની ઉચાપત કરી હતી જેને પગલે તેમણે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી
કેસ કોર્ટમાં ચાલતો હતો એ દરમિયાન દીપક ઉર્ફે ચીકુ મહીડા (નારાયણનગર સોસાયટી, નડીયાદ) સાથે ઓળખ થઈ હતી જેણે પોતે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં પોલીસ અધિકારી હોવાનું કહયું હતું. બાદમાં આનંદભાઈનો છેતરપીંડીનો કેસ પેન્ડીંગ હોઈ રૂપિયા પરત મળશે એ હેતુથી તેમણે દિપકને તમામ વાત કરી હતી
જેને પગલે દિપકે તેમની પાસેથી કાગળ મંગાવ્યા બાદ વકીલને આપવા તેમનો માલ છોડાવવા ઉપરાંત અન્ય અધિકારીઓને આપવા માટેનું કહીને કુલ બાર લાખ પંચ્યાશી હજાર રૂપિયા પડાવી લીધા હતા પરંતુ કામ કર્યું નહતું.
બાદમાં દિપક ક્રાઈમબ્રાંચમાં ન હોવાનું તથા નડીયાદની એક મહીલા સાથે પણ ઠગાઈ કરી હોવાની જાણ થઈ હતી જેને પગલે દિપકે સાત લાખ પંચ્યાશી હજાર પરત કર્યા હતા અને પાંચ લાખ રૂપિયા પાછા ન આપતા આનંદભાઈએ તેની સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.