ક્રાઈમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપ્યો, ડ્રાઈવર જ બૂટલેગર નીકળ્યો
રાજકોટ: હોળી અને ધુળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ અનુસાર દારૂ અને જુગારના વધુમાં વધુ કેસ શોધી કાઢવા માટે ખાસ પ્રકારની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગાર રમતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ જેબલિયા અને તેમની ટીમના માણસોને બાતમી મળી હતી કે અમુલ સર્કલ બેંક ઑફ બરોડાના પાછળના ભાગે આઇસર ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સંઘરી રાખવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચને મળેલા ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે આઈસર ટ્રક સહિત કુલ ૩,૦૮,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ સામે નથી આવ્યો. પરંતુ આરોપીના જણાવ્યા પ્રમાણે તે રાજકોટ શહેરમાં છેલ્લા છથી સાત વર્ષથી વસવાટ કરે છે. જુદા જુદા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતો હોવાથી તે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચવા માટે રાજકોટ લાવ્યો હતો. બીજી તરફ પોલીસના દરોડામાં જુગારીએ ઝડપાયા છે.
આ અંગે વાતચીતમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. ઔસુરાએ જણાવ્યું હતું કે, પીએસઆઇ બીબી કોડીયાતર અને તેની ટીમને બાતમી મળી હતી કે માર્કેટયાર્ડ પાછળ જય હિન્દ સ્કૂલ વાળી શેરીમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા અન્ય ત્રણ દરોડામાં ૨૨ જેટલા પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા.