ક્રાઈમ બ્રાંચે બે દિવસમાં ચોરી-લુંટનાં મહિલા સહિત આઠ રીઢા ગુનેગારોને ઝડપી લીધા
એસઓજીની ટીમે પણ લુંટ અને પેરોલ જંપ કરનાર ચાર શખ્સોને પકડ્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ચોરી અને લુંટની ઘટનાઓને પગલે સક્રિય થયેલી ક્રાઈમબ્રાંચે બે દિવસમાં જ મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એસઓજીની ટીમે પણ બે દિવસ દરમિયાન પેરોલ તથા વચગાળાનાં જામીન જમ્પ કરનાર ૩ શખ્સોને પકડ્યા છે.
શહેર ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ દેસાઈની ટમે બે મર્ડર, ફાયરીંગ, ખૂનની કોશીશ અને ગેરકાયદેસર કોલ સેન્ટર સહિતનાં ૮ ગુનાઓમાં ફરાર ગૌરવ ચૌહાણ (૨૯) તથા અજય ઊર્ફે કાંચો ભદોરીયા (૨૬, બંને રહે.ચાંદખેડા)ને ઝડપી લીધા હતા. જ્યારે પીઆઈ એચએમ.વ્યાસની ટીમે બરોડામાં કારનાં કાચ તોડી ૨.૩૫ કરોડનાં દાગીનાની ચોરી કરનાર રક્ષા સન્ની તમઈચે (સરદારનગર)નામની મહિલાની તેના ઘરેથી ધરપકડ કરી છે. પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટની ટીમે ચોરીનાં ગુનામાં સામેલ વિષ્ણુ ઊર્ફે છોટુ શર્મા (સરદારનગર)ને ૨.૩૭ લાખ રૂપિયાનાં મોબાઈલ-દાગીના સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
ઉપરાંત પીઆઈ સી.બી.ટંડેલની ટીમે વિકી ગોસ્વામી અને ટીનીયો ગોસ્વામી નામનાં ગુનેગારોને ઝડપી ટી.વી., મોબાઈલ, સહિત ૨૫ હજારથી વધુનો મુદ્દામાલ રીકવર કરી ૪ ગુનાનાં ભેદ ઊકેલ્યા છે. જ્યારે પીઆઈ ડીબી બારડની ટીમે સવા લાખનાં મુદ્દામાલ સાથે જાવેદખાન પઠાણ (ફતેવાડી) તથા સત્તાબેગ મીર્ઝા (દાણીલીમડા)ને પકડીને લુંટનાં ગુનાનો ભેદ ઊકેલ્યો હતો.
એસઓજીએ બે દિવસમાં ૩ પેરોલ જંપ અને ૧ લુંટના આરોપીને પકડ્યો
બીજી તરફ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ સક્રિય થતાં બાપુનગરનાં છ વર્ષ જૂનાં લૂંટનાં આરોપી ખોડા ઉર્ફે પ્રવિણ (સાાબરમતી)ને ઝડપી લીધો છે. ઉપરાંત બે દિવસમાં પેરોલ તથા વચગાળા જામીન જંપ કરનાર ત્રણ આરોપીને પકડીને મધ્યસ્થ જેલ મોકલી આપવા તજવીજ કરી છે.