Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાંચે સાબરકાંઠામાંથી સિમકાર્ડ રેકેટ ઝડપી પાડ્યું

અમદાવાદ, તમારું બેન્ક અકાઉન્ટ નિષ્ક્રિય હોય અથવા કોઈ સિમકાર્ડ ના વાપરતા હો તો ચેતી જજાે કારણકે સાયબર ક્રિમિનલ્સ ગેરકાયદે કામ કરવા માટે ફોન નંબર કે બેંક અકાઉન્ટનો ઉપયોગ કરતા હોઈ શકે છે. તમારા નંબર કે અકાઉન્ટ દ્વારા છેતરપિંડી કે ડિજીટલ ફ્રોડ થયો હોઈ શકે છે.

શહેરની ક્રાઈમ બ્રાંચે હાલમાં જ વિજયસિંહ ઝાલા નામના ૨૨ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. સાબરકાંઠાના તલોદ તાલુકાના અણિયોલ ગામનો વિજયસિંહ કથિત રીતે ગેરકાયદેસર રીતે સિમકાર્ડ વેચતો હોવાનું સામે આવ્યું છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, બેંક અકાઉન્ટ, ડિજિટલ વોલેટ્‌સ, ઓટીટી એપના ઉપયોગ માટે પ્રત્યય દસ્તકાવેજાે પણ ગેરકાયદેસર રીતે વેચ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં આ પ્રકારના ગોરખધંધા મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. અહીં ઠગ ટોળકીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરીને ટેલિકોમ કંપનીઓ અને બેન્કોમાંથી ડેટા ચોરે છે અને બાદમાં તેનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરે છે, તેમ પોલીસે જણાવ્યું.

૯ ઓક્ટોબરે પોલીસે બાતમીના આધારે વિજયસિંહને દબોચ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે, તે એક ચોક્કસ વ્યક્તિને અમુક સિમકાર્ડ ડિલિવર કરવાનો છે. પોલીસે વિજયસિંહને પકડ્યા બાદ તેની પૂછપરછ કરતાં ખુલાસો થયો કે, વિજયસિંહ જે ગેંગ માટે ડિલિવરી બોય તરીકે કામ કરતો તેની પાસે આશરે ૨૦,૦૦૦ સિમકાર્ડ છે.

પોલીસે વિગતો આપતાં કહ્યું, “આવી ગેંગ વિવિધ સ્તરમાં કામ કરે છે જેથી પોલીસથી બચી શકે. ગેંગનો સરદાર વિવિધ ટેલિગ્રામ ગ્રુપનું સંચાલન કરે છે અને તેના થકી તે સિમકાર્ડ, બેન્ક અકાઉન્ટ અને ડિજિટલ વોલેટના સોદા માટે ઓફર આપે છે. જાે કોઈ વ્યક્તિ તેમાં રસ દાખવે તો ગેંગના અન્ય શખ્સો તેના દસ્તાવેજાે ચેક કરે છે અને જાે તે વ્યક્તિ બ્રેકગ્રાઉન્ડ ચેકમાં સફળ રહે તો તેને સિમકાર્ડની ડિલિવરી કરવામાં આવે છે.”

ડિજિટલ વોલેટ અને બેન્ક અકાઉન્ટના કિસ્સામાં ગેરકાયદેસર રીતે આની ખરીદી કરતાં ગ્રાહક સુધી યૂઝર આઈડી અથવા પાસવર્ડ ગેંગ મેમ્બર દ્વારા એવી રીતે પહોંચાડવામાં આવે છે કે તેને તેમનું નામ કે ઓળખ ખબર ના પડે. માત્ર ગ્રાહક કે યૂઝર જ નહીં બીજા અથવા ત્રીજા સ્તરમાં કામ કરતાં ગેંગના સભ્યોને પણ નથી ખબર હોતી કે તેમનો આકા કોણ છે, તેમ પોલીસે જણાવ્યું.

ગેંગના સભ્યો સિમકાર્ડ અને બેન્ક અકાઉન્ટ રેકેટ માટે ખોટા નામ અને આઈડીનો ઉપયોગ કરે છે જેના કારણે પોલીસને પણ તેમની સાચી ઓળખ ખબર નથી હોતી. જ્યારે પોલીસે વિજયસિંહ ઝાલાને પકડ્યો ત્યારે એફઆઈઆરમાં અન્ય ૧૨ આરોપીઓના નામ પણ સામેલ કર્યા હતા.

જેમાંથી એકનું નામ ‘સની, નેટફ્લિક્સનો ક્લાયન્ટ’ છે જ્યારે ૧૨મા આરોપીનું નામ ‘બીઈંગ હ્યુમન’ છે. પોલીસના કહેવા પ્રમાણે, અન્ય આરોપીઓ પણ એમએસડી ગુજ્જુ, વ્હાઈટ રોઝ જેવા નકલી નામો આપે છે અને તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરતાં હોવાથી તેમને ટ્રેસ કરવા મુશ્કેલ બને છે.

આ શખ્સોને પકડવા માટે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે તેમ જણાવ્યું. ટેલિકોમ કંપનીઓના સર્વર સાથે ચેડાં કરવા ઉપરાંત આ સિમકાર્ડ, ડિજિટલ વોલેટ અથવા બેંક અકાઉન્ટ વેચનારા શખ્સોને ટેલિકોમ કંપનીઓ અને બેન્કના કર્મચારીઓની પણ મદદ મળી રહે છે, તેમ પોલીસનું કહેવું છે.

આ સેક્ટરમાં આઉટસોર્સિંગનું કામ ચાલે છે ત્યારે ગેંગના સભ્યો કોન્ટ્રાક્ટ પર રાખેલા લોકોને મસમોટી રકમ ચૂકવે છે જેથી ગ્રાહકોનો ડેટા મળી શકે. પોલીસે કહ્યું, “આરોપીઓ પાસે ગ્રાહકોનો ડેટા કેવી રીતે પહોંચ્યો તે જાણવા માટે અમે બે ટેલિકોમ કંપનીઓની પૂછપરછ કરી રહ્યા છીએ. એક નામાંકિત ખાનગી બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકનો ડેટા પણ કેટલાક કર્મચારીઓ દ્વારા આ ઠગ ટોળકીને આપવામાં આવ્યો હતો. આ મામલે પણ તપાસ ચાલુ છે.”

ગેંગના સભ્યો બગ દ્વારા ટેલિકોમ કંપની અથવા બેન્કના સર્વર સુધી પહોંચે છે અને તેમાંથી નિષ્ક્રિય બેન્ક અકાઉન્ટ અથવા સિમકાર્ડની માહિતી મેળવે છે. તેઓ અકાઉન્ટ રિચાર્જ કરાવે છે અથવા પોસ્ટપેઈડ કનેક્શનનું બિલ ચૂકવે છે અને બાદમાં તેને અન્ય વ્યક્તિઓને વેચી દે છે. ખાસ કરીને સાયબર ફ્રોડ માટે આને વેચવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં એવું બને છે કે, સિમકાર્ડના મૂળ માલિકને ખબર જ નથી હોતી કે તેના નંબરનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.