ક્રિકેટર અક્ષર પટેલે ઈન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંકમાં ખાતુ ખોલાવ્યુ
નવરંગપુરા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ પોસ્ટ વિભાગની કામગીરી વિશે જાણકારી મેળવી
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલે અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીના નિમંત્રણને માન આપીને પોસ્ટ ઓફિસની મુલાકાતે આવેલા શ્રી અક્ષર પટેલ પોસ્ટ વિભાગની વિવિધ જાણકારી પ્રાપ્ત કરી હતી.
ક્રિકેટર અક્ષર પટેલની આ મુલાકાત વિશે વધુ વિગતો આપતા નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર શ્રી અલ્પેશભાઈ શાહ કહે છે કે, અમારા માટે ગર્વની બાબત છે કે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલે અમારી કચેરીની મુલાકાત લીધી.
શ્રી શાહ કહે છે કે, અક્ષર પટેલને પોસ્ટ વિભાગે કોવીડ મહામારીમાં કરેલી કામગીરીથી વાકેફ કર્યા ત્યારે તે પ્રભાવિત થયા હતા. પોસ્ટ વિભાગના અધિકારીઓએ જ્યારે ઈન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેન્ક વિશે જાણકારી આપી ત્યારે અક્ષર પટેલે તરત જ બેંકમાં તેમનું ખાતુ બેંકમાં ખોલાવ્યું હતું.
પોસ્ટ ઓફિસ દ્વારા અક્ષર પટેલને રામાયણ અને મહાભારતની થીમ પર આધારિત પોસ્ટલ સ્ટેમ્પની ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીને તેમની તસવીરવાળી પોસ્ટલ સ્ટેમ્પ અને ગંગાજળની પણ ભેટ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ સાઈઝની બોટલમાં ગંગાજળનું પણ વેચાણ કરવામાં આવે છે. પોસ્ટ વિભાગ કર્મચારીઓએ અક્ષર પટેલને તેમની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.