ક્રિકેટ રમીને તેને વર્લ્ડ કપ સિવાય ઘણું બધુ મળ્યું મિતાલી
મુંબઇ, ભારતીય મહિલા ક્રિકેટની વન ડે ટીમ કેપ્ટન મિતાલી રાજે તાજેતરમાં એક મોટી વાત કહી છે. મિતાલીએ તેના સંન્યાસ અંગે વાત કરી. મિતાલી રાજે કહ્યું કે હાલ તેનું સંપૂર્ણ ધ્યાન આગામી વર્ષે થનારા વર્લ્ડ કપ પર છે. જેને જીતીને તે પોતાના કરિયરને સફળતા પૂર્વક વિરામ આપવા ઇચ્છે છે. એમ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. મિતાલીની કેપ્ટન્સીમાં ભારત વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ યજમાન ઇંગ્લેન્ડથી હારી ખિતાબ ગુમાવ્યો હતો. આના એક વર્ષ બાદ વેસ્ટઇન્ડિઝમાં ટી૨૦ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં હારી ભારત બહાર થયું હતું. મિતાલીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ૨૦૧૭ના વર્લ્ડ કપ માટે ખૂબ મહેનત કરી હતી. એક ખેલાડી અને કેપ્ટન તરીકે ઘણું હોમવર્ક પણ કર્યું હતું. જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચી ત્યારે તેણે વિચાર્યું હતું કે ફાઇનલ જીતીને તે સંન્યાસ લઈ લેશે.
મિતાલીએ વધુમાં જણાવ્યું કે આટલા વર્ષો સુધી ક્રિકેટ રમીને તેને વર્લ્ડ કપ સિવાય ઘણું બધુ મળ્યું. મિતાલીએ કહ્યું કે વર્ષ ૨૦૨૧માં તે ફરી કોશિશ કરશે અને તેને આશા છે કે આ વખતે ભારત વર્લ્ડ કપનો ખિતાબ જીતશે. આપને જણાવી દઈએ કે ૩૭ વર્ષની મિતાલી રાજે ગત વર્ષે ટી૨૦ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેનું માનવું છે કે બીસીસીઆઈએ પાંચ વર્ષ પહેલા જ મહિલા ક્રિકેટને પોતાની છત્રછાયામાં લઈ લેવું જોઈતું હતું. તેથી સ્થિતિ ઘણી વધુ સારી બની હોત.HS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf