ક્રિપ્ટોકરન્સી કૌભાંડઃ ૪૦ કરોડ ઠગનારા વધુ ૭ આરોપીની ધરપકડ
નાગપુર, મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડીના મોટા રેકેટનો ભાંડો ફૂટ્યો છે. નાગપુર પોલીસે આ મામલે ૧૧ લોકોની ધરપકડ કરી છે.
નાગપુરમાં ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીના એક કેસમાં ૨૦૦૦ રોકાણકારો પાસેથી ૪૦ કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના આરોપસર રવિવારે વધુ ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ ધરપકડ કરવામાં આવેલા લોકોની કુલ સંખ્યા ૧૧ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
એક દિવસ પહેલા આ કેસના મુખ્ય આરોપી, તેની પત્ની અને બે સાથીદારોની પુણેના લોનાવાલા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી નિશિદ વાસનિક લોકોને પોતાની શાનદાર જીવનશૈલી દેખાડીને એક કંપનીમાં રોકાણ કરવા માટે લલચાવી રહ્યો હતો.
તેણે વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૧ વચ્ચે છેતરપિંડી દ્વારા પોતાના ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા, રોકાણના મૂલ્યમાં સતત વૃદ્ધિ દેખાડવા માટે કંપનીની વેબસાઈટમાં હેરફેર કરી. તેણે મધ્ય પ્રદેશના પંચમઢી ખાતે ક્રિપ્ટોકરન્સી રોકાણ પર એક સેમિનાર પણ આયોજિત કર્યો હતો.
વાસનિક ગત વર્ષે માર્ચ મહિનામાં રોકાણકારોને અધવચ્ચે છોડીને સંતાઈ ગયો હતો. શનિવારે તેની પુણે જિલ્લા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે યશોધરા નગર પોલીસે રવિવારે ધરપકડ કરી તે ૭ લોકો સહિત કુલ ૧૧ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી, મહારાષ્ટ્ર જમાકર્તાઓના હિતોની સુરક્ષા અધિનિયમ અને આઈટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.HS