ક્રૂડ ઓઈલનો ભાવ ૧૧૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુને વધુ ભયંકર બની રહ્યું છે જેના કારણે ઓઈલના ભાવ વધશે તેવો ભય સાચો ઠર્યો છે. રશિયા વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું ઓઈલ નિકાસકાર દેશ છે અને હાલમાં રશિયાનો પૂરવઠો ઠપ થઈ ગયો છે. તેના કારણે આજે ક્રૂડ ઓઈલનો ભાવ ૧૧૦ ડોલર પ્રતિ બેરલની સપાટીને તોડી ગયો હતો.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૦ ડોલરને વટાવી ગયો હતો તેમાં પાંચ ટકા કરતા વધુ ઉછાળો આવ્યો છે. યુદ્ધના કારણે રશિયાના ઓઈલ સપ્લાયને અસર થઈ છે. બુધવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન બ્રેન્ડ ક્રૂડનો ભાવ ૪.૪૮ ટકા વધીને ૧૧૦.૦૯ ડોલર થયો હતો જ્યારે Crude ઓઈલનો ભાવ ૫.૦૬ ટકા વધીને ૧૦૮.૬૪ ડોલર થયો હતો. બંને પ્રકારના ઓઈલ હાલમાં સાત વર્ષની ટોચ પર ચાલે છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન પર આક્રમણ કરવાનો ર્નિણય લીધો તેના કારણે રશિયા પર પશ્ચિમી દેશોએ આકરા વ્યાપારી પ્રતિબંધો ઝીંક્યા છે. તેના લીધે રશિયાના ઓઈલ સપ્લાયને અસર થવાની બીક છે. ઓઇલના ભાવ પહેલેથી વધી રહ્યા હતા તેવામાં પૂર્વ યુરોપમાં આ યુદ્ધ શરૂ થયું અને ભાવમાં ભડકો થયો છે. યુદ્ધ પહેલાથી જ ઓઈલની માંગની સામે પૂરવઠો ઓછો હતો.
કોવિડના કારણે ઘણા સમયથી બંધ રહેલા દેશો હવે ફરીથી ખુલી રહ્યા છે અને તેના કારણે ઓઈલની ભારે ડિમાન્ડ છે. ઓઈલના વધતા ભાવના કારણે ભારત જેવા દેશને સૌથી મોટી અસર થશે. ચાલુ વર્ષ દરમિયાન ભારતનું ઓઈલ ઇમ્પોર્ટનું બિલ ૧૦૦ અબજ ડોલરને પાર કરી જશે તેમ માનવામાં આવે છે.
આજે ઓપેકના દેશો તથા બીજા અગ્રણી ઓઈલ ઉત્પાદક દેશોની મિટિંગ મળવાની છે જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ બેઠકમાં રશિયા પણ સામેલ હશે. તેમાં તેઓ ઓઈલના ભાવને અંકુશમાં રાખવા માટે ઉત્પાદનમાં વધારો કરવો કે નહીં તેના માટે પણ ચર્ચા કરશે.
ભારત માટે આ સમાચાર વિશેષ ચિંતાનું કારણ છે. ભારત ઓઈલની આયાત પર મોટા પાયે ર્નિભર છે અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતની ઈકોનોમિક ગણતરીઓ ખોરવાઈ જવાની શક્યતા છે. રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા પ્રમાણે ભારત પોતાની જરૂરિયાતના ૮૦ ટકાથી વધુ ઓઈલની આયાત કરે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે સૂર્યમુખીના તેલ અને ફર્ટિલાઈઝરના સપ્લાયમાં પણ યુક્રેન એક મહત્ત્વનો દેશ છે અને ત્યાંથી ઓઈલ પૂરવઠો બંધ થાય તો ખાદ્ય તેલના ભાવ પર અસર પડી શકે છે.SSS