ક્રોધનો ધોધ..માનવીનો ખરો શત્રુ
મોહ, માયા, લોભ તથા ક્રોધ આ ચાર પ્રકારનાં કારણોમાં *ક્રોધનું* સ્થાન મુખ્ય છે. સ્વભાવમાં અશાંતિ ઉત્પન થવાથી તેના વેગમાં વૃદ્ધિ થતાં છેવટે તે ક્રોધમાં જ પરિણમે છે. ક્રોધમાં સારાસરનું ભાન રહેતું નથી.
ક્રોધ જ્યારે કાબૂમાં રહેતો નથી ત્યારે તે વ્યક્તિ શું બોલે છે તથા શું કરે છે તેનું વિવેક-ભાન રહેતું નથી. મનુષ્યનો ખરો શત્રુ તો ક્રોધ છે જે પોતાની અંદર ધર કરીને વસેલો છે તથા પોતે તેનું પોષણ કરે છે તે તેને ખબર નથી હોતી. આક્રોશ રૂપી શત્રુ જાત માટે હાનિકારક છે.
ક્રોધ એક એવો કષાય છે કે જેની અસર મન અને શરીર પર પડે છે. કોઇને હ્રદયરોગનો હુમલો તો કોઇને લોહીનાં દબાણની સમસ્યા થાય છે. ધણી વખત માનવી ગુસ્સામાં ને ગુસ્સામાં જે હાથમાં આવે તે ફેંકી દે છે.
મિજાજી પ્રક્રુતિવાળી વ્યક્તિ નાની મોટી વાતોમાં ગુસ્સે થઇ જાય છે જેથી તે સમાજમાં પોતાનું માન ગુમાવી બેસે છે અને લોકો મિજાજી વ્યક્તિથી દૂર રહેવામાં જ શાણપણ માને છે.
કડવાં ફળ છે ક્રોધના, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય’.
જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે ઉશ્કેરાટ ઉદ્ ભવે છે અને ઉશ્કેરાટ ન શમતા તે ક્રોધમાં ફેરવાઇ જાય છે. તે ઘડીએ ભગવાનનું સ્મરણ કરતાં મન શાંત થઇ જાય છે. ઘણી વખત ક્રોધ કર્યા બાદ માનવીને પસ્તાવો થાય છે કે ‘કેમ મેં આવું કર્યું, આવું કરવું કરવું જાેઇતુ ન હતું’ પણ પગલું ભર્યા પછી ડહાપણનું શું કામ? વિચારીને બોલવાથી પસ્તાવાનો વારો આવતો નથી તથા ક્રોધને કાબૂમાં લાવવા માટે બીજાે માર્ગ છે સમતા….
ક્રોધનો પરિવાર…
ક્રોધનો પિતા — ખોટો ખોટો ગુસ્સો વારંવાર પ્રગટ કરવો.
ક્રોધની માતા–અપ્રિય તથા કર્કશ વાણી સંભળાવી.
ક્રોધનો ભાઇ — કટાક્ષની ભાષા વાપરવી તથા મેણા ટોણા મારવા.
ક્રોધની બેન —રીસ ચડાવવી.
ક્રોધની પત્નિ — અદેખાઈ કરવી.
ક્રોધ ઉત્પન થવાનાં મુખ્ય કારણોમાં અહંકાર, વધુ પડતી અપેક્ષા, ધીરજનો અભાવ, પૂર્વગ્રહ, તીવ્ર લાલસા, કાર્યમાં મળતી સતત નિષ્ફળતા, મન કમજાેર, અતિશય પરિશ્રમ (થાક), અતિશય ભૂખ, વાદ-વિવાદ, તામસી ભોજન, પ્રેમવાત્સલયનો અભાવ, સહનશીલતા નો અભાવ, સમજદારી અને સંસ્કારનો અભાવ, વારંવાર માંદગી, સ્વભાવદોષ, અતિશય મૈથુનવ્રુત્તિ… લાલસા વાસના તથા કમનાની તૃપ્તિ….
માનવી જ્યારે ગુસ્સામાં હોય ત્યારે આપણે ભૂલેચૂકે શિખામણ કે સલાહ આપવી ન જાેઇએ, તેમને ભૂલ બતાવવી પણ ન જાેઇએ તથા ઠપકો દેવો નહિ, સામો જવાબ તો દેવો જ નહિ, મૌન ધારણ કરવું જાેઇએ. ખુલાસા કરવા નહિ તથા બને ત્યાં સુધી ઉભા થઇને બીજે ચાલ્યા જવું.
ક્રોધથી આપણને ઘણી નુકસાની થતી હોય છે જેમ કે પરલોક તો બગડે અને આ લોક પણ સાથે સાથે બગડે, મન તો બગાડે જ પણ શરીર પર પણ આડ અસર થયા વિના રહેતી નથી.
ક્રોધ સજ્જનથી તથા પોતાના પરિવારનાં સભ્યોથી પણ દૂર રાખે તેમાં નવાઇ નથી તથા ક્રોધ ધર્મથી તો પોતાને ભ્રષ્ટ કરે જ છે પણ સાથે સાથે ધનથી પણ ભ્રષ્ટ કર્યા વિના રહેતો નથી.
કહે શ્રેણુ આજ,
ન કર ખોફ તું કોઇ પર, ન’કર અસર થાશે તુજ વદન પર,
ન ગુમાવ પિત્તો તું કોઇ પર, ન’કર અસર થાશે તુજ અંતર પર.
બતાવશે તામસી સ્વભાવ જાે તું, બગાડીશ સંબંધ, તુજ સમાજમાં,
ગુમાવશે મિજાજ જાે તું, બગાડીશ મૂડ આખા દિવસમાં.