ક્લાસમાંથી છૂટી ઘર જઈ રહેલી સગીરાને 3 શખસો રિક્ષામાં ઉઠાવી જંગલમાં લઈ ગયા

સગીરાને જંગલમાં લઈ જઈ ૩ હવસખોરોએ પીંખી નાખીઃ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા
મોડાસા, ભિલોડા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર ત્રણ નરાધમોએ ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ગઈ ૨જી જૂનના રોજ સગીરા ટ્યુશન ક્લાસમાંથી છૂટીને ઘરે જઈ રહી હતી.
એ સમયે જશવંતપુરા ગામની સીમમાં ત્રણ શખસોએ તેને ઉઠાવી લીધી હતી. બાદમાં સગીરાને જંગલમાં લઈ ગયા હતા અને ગેંગરેપ કર્યો હતો. એટલું જ સગીરાને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ભિલોડા પોલીસે ત્રણ નરાધમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સિવાય અરવલ્લી જિલ્લા પોલીસની વવિધ ટીમો પણ આરોપીઓને ઝડપી પાડવા દોડતી થઈ છે. ભિલોડાથી સામે આવેલા અહેવાલ મુજબ, જશવંતપુરા ગામની સીમમાં ૧૦ દિવસ પહેલાં એક સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી. તાલુકામાં આવેલા એક ગામની ૧૭ વર્ષની સગીરા બપોરના સમયે ટ્યુશન ક્લાસમાંથી છૂટીને ઘરે જઈ રહી હતી.
એ સમયે હાથિયા ગામ અને જશવંતપુરા ગામના ૩ શખસો તેની પાસે આવ્યા હતા. બાદમાં આ ત્રણેય શખસો સગીરાને રિક્ષામાં ઉઠાવી ગયા હતા.
આ ત્રણેય નરાધમો સગીરાને જશવંતપુરા ગામની સીમમાં ગૌચર અને બાવળના જંગલમાં લઈ ગયા હતા. જ્યાં આ ત્રણેય નરાધમોએ વારાફરતી સગીરાનો ગેંગરેપ કર્યો હતો. કોઈને આ વાતની જાણ કરી તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ સગીરા બીમાર અવસ્થામાં પથારીમાં સૂઈ રહેતી હતી. પરિવારને શંકા જતા તેની પૂછપરછ કરતા સગીરાએ આપવીતી જણાવી હતી.
સગીર દીકરીની વાત સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી ભિલોડા પોલીસ સહિત જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ સહિતની ટીમોએ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.