ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાને ગંભીર આડઅસર
અમદાવાદ, આખો દિવસ કચરો વીણીને દિવસના માંડ ૧૦૦-૨૦૦ રુપિયા કમાતા અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના ગરીબ પરિવારો થોડા વધારે રુપિયા મેળવવા માટે પોતાના શરીર પર દવાઓના ટ્રાયલની મંજૂરી આપ્યા બાદ હવે તેની ગંભીર આડઅસર ભોગવી રહ્યા છે. એજન્ટોએ વર્ષો પહેલા જ આ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને પોતાના ટાર્ગેટ બનાવ્યા હતા.
તેઓ આખા મહિનામાં જેટલું કમાય તેનાથી વધારે રુપિયા એક ટ્રાયલ માટે તેમને આપવામાં આવતા. વર્ષો બાદ પણ આ વિસ્તારમાં રહેતા ૧૨૫ જેટલા પરિવારના લોકો માત્ર રુપિયા ખાતર સ્વેચ્છાએ ક્લિનિકલ ટ્રાયલમાં હિસ્સો લે છે.
પૂર્વ અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા લાલ બંગલા-નહેરુનગર વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારના સભ્યો નિયમિત ક્લિનિકલ ટ્રાયલ માટે જાય છે. તેમને તેના માટે ૫ હજારથી ૨૦ રુપિયા જેટલી રકમ મળે છે. ટ્રાયલ કેટલી જાેખમી છે તેના આધારે રુપિયા નક્કી થાય છે. નવાઈની વાત એ છે કે, તેના કારણે શરીર પર ગંભીર આડઅસર થતી હોવા છતાંય કાયમી નોકરી-ધંધો ના હોવાથી આ ગરીબ પરિવારો પાસે પોતાનો જીવ જાેખમમાં નાખ્યા સિવાય બીજાે કોઈ રસ્તો નથી.
અહીં રહેતા મકવાણા પરિવારને જ જાેઈએ તો, બે દાયકા પહેલા પતિના મોત બાદ પરિવારની તમામ જવાબદારી માતે આવી પડતાં શકરીબેને સૌ પહેલા ક્લિનિકલ ટ્રાયલમાં જવાનું શરુ કર્યું હતું. તેમને એક ટ્રાયલના ૫,૦૦૦ રુપિયા મળતા.
ગરીબ શકરીબેને વિચારેલું કે આ રુપિયાથી તેઓ પોતાના એકના એક દીકરા સંજયને ભણાવી શકશે. પહેલી ટ્રાયલની કોઈ ખાસ અસર ના થતાં હિંમત કરી શકરીબેન ત્યારબાદ એક પછી એક ૧૫ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થયાં.
પરંતુ હવે તેઓ તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યાં છે. તેમના દીકરા સંજયનું માનીએ તો, શકરીબેનની સ્થિતિ જરાય સારી નથી. તેઓ અશક્તિ, ચક્કર આવવા, સતત તાવથી પીડાય છે. તેમની યાદશક્તિ પણ ઘણીવાર ચાલી જાય છે.
હવે તેઓ જાણે પોતાની જાતનો પડછાયો બનીને જ જીવી રહ્યાં છે. વિધિની વક્રતા તો જુઓ, જે દીકરા માટે શકરીબેને આ કામ શરુ કર્યું તે જ દીકરાને બીમાર શકરીબેનની સંભાળ લેવા ભણવાનું છોડીને કચરો વીણવાનું કામ શરુ કરવું પડ્યું.
સંજય આખો દિવસ કચરો વીણી માંડ ૫૦-૧૦૦ રુપિયા કમાતો, જેમાંથી બે ટંક જમાવાની સાથે માનો ઈલાજ કરાવવાનું અશક્ય હતું. આખરે મજબૂર સંજય પણ એજન્ટોની જાળમાં સપડાયો, અને તેણે પણ ક્લિનિકલ ટ્રાયલમાં જવાનું શરુ કર્યું.
સંજયે ૨૦૧૫માં ટ્રાયલમાં જવાનું શરુ કરેલું. તેને દરેક ટ્રાયલના ૫,૦૦૦ રુપિયા મળતા. આટલા રુપિયા કચરો વીણીને કમાવવા અશક્ય હતા. ક્લિનિકલ ટ્રાયલથી જે આવક થઈ તેનાથી સંજયે લગ્ન કર્યા. લગ્ન બાદ તેની પત્ની જશી પણ તેની સાથે આવવા લાગી. હવે સંજય પોતે પણ કબૂલે છે કે વારંવાર ક્લિનિકલ ટ્રાયલમાં જવાથી તેના શરીર પર તેની અસર દેખાવા લાગી છે.
ટ્રાયલ બાદ સંજયને ખૂબ જ તાવ આવવો, માથું દુઃખવું તેમજ ઉબકા આવવા જેવી સમસ્યા થાય છે. અગાઉ સંજય કચરો વીણવા દિવસના ૮-૧૦ કિલોમીટર ચાલતો હતો, પરંતુ હવે તેના પગમાં એટલી તાકાત નથી રહી. આ જ વિસ્તારમાં રહેતા નરેશ મકવાણા અને તેમના પિતા પ્રકાશ મકવાણાની સ્થિતિ પણ આવી જ છે.
તેઓ ગોતા નજીક એક જગ્યાએ ક્લિનિકલ ટ્રાયલમાં જાય છે. પાક્કું ઘર બનાવવા તેમજ દીકરીને પરણાવવા માટે પહેલા પ્રકાશભાઈએ આ કામ શરુ કર્યું હતું, જેમાં પાછળથી તેમનો દીકરો પણ જાેડાયો. જાેકે, હવે તેના કારણે નરેશને ચામડી પર ચકમા પડી ગયા છે, અને ટ્રાયલ બાદ તેને તાવ પણ ચઢી જાય છે. નરેશની બહેન બેલાએ પણ પિતા અને ભાઈ સાથે ક્લિનિકલ ટ્રાયલમાં જવાનું શરુ કર્યું હતું. હવે તેને ગાયનેક તેમજ પેટને લગતી સમસ્યા થઈ રહી છે.
તબિયત સારી ના હોવાથી ૩૨ વર્ષની ઉંમરે પણ તે હજુય કુંવારી છે. એક એનજીઓ સાથે સંકળાયેલા લક્ષ્મી વાઘેલા જણાવે છે કે, આ વિસ્તારમાં મોટાભાગના લોકો કચરો વીણીને ગુજરાન ચલાવે છે. અત્યંત ગરીબીમાં જીવતા આ લોકો પૈસા માટે પોતાના શરીર પર ક્લિનિકલ ટ્રાયલ કરવા દેવા માટે જલ્દી તૈયાર થઈ જાય છે.
લોકોને બે ટંક ખાવાના ફાંફા હોય ત્યારે તેઓ એજન્ટોના સોફ્ટ ટાર્ગેટ બનતા હોય છે. લક્ષ્મીબેનનું માનીએ તો, આખાને આખા પરિવારો આ કામ કરતા હોય છે. આ વિસ્તારના ૮૦-૧૦૦ જેટલા લોકો અવારનવાર ક્લિનિકલ ટ્રાયલ માટે જાય છે.
તેમની પાસેથી કોન્ટ્રાક્ટ સાઈન કરાવાય છે, પરંતુ તેની આડઅસર વિષે તેમને ભાગ્યે જ કોઈ અંદાજ હોય છે. કોઈ સરખી નોકરી કે નિશ્ચિત આવક ના હોવાથી બાપ સાથે દીકરા-દીકરી પણ ટ્રાયલમાં જતા હોય છે. જાેકે, મોટાભાગના લોકો તેની કોઈને કોઈ આડઅસરનો ભોગ બન્યા છે.
અનેક ટ્રાયલમાં ભાગ લઈ ચૂકેલા લક્ષમણ નાઈકરને ઊંઘ જ નથી આવતી, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને સતત શરીરમાં કળતર થતું રહે છે. દરજીકામ કરતો લક્ષ્મણ પોંડીચેરીથી અમદાવાદ આવ્યો હતો. જાેકે, કોરોનાને કારણે કોઈ કામ ના મળતા તેણે ટ્રાયલમાં જવાનું શરુ કર્યું હતું.
પરંતુ હવે તેની સ્થિતિ પહેલા જેવી નથી રહી. આ વિસ્તારમાં સમાજસેવાનું કામ કરતા લોકોની માગ છે કે સરકારે આ લોકોને શિક્ષણ આપવાની સાથે તેમને સરખી નોકરી મળે તે સુનિશ્ચિત કરવું જાેઈએ. જેથી કમસે કમ તેમની આવનારી પેઢી થોડા રુપિયા માટે આ કામમાં ના સપડાય.SSS