Western Times News

Gujarati News

ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સે નિરાશ કર્યા, બેંગલોરની ટીમ ફાઇનલમાં

આઇપીએલની પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબ ૧૦૧માં ઓલઆઉટ

બેંગલોરના સૂયાશ શર્મા અને હેઝલવૂડે બોલિંગમાં તરખાટ મચાવી ત્રણ ત્રણ વિકેટ ઝડપી

મુલ્લાનપુર,સૂયાશ શર્મા અને જોશ હેઝલવૂડની વેધક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે રમાયેલી ક્વોલિફાયર-૧ ટી૨૦ ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૨૦૨૫ની સિઝનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જોકે પંજાબને પણ ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક મળશે પરંતુ તે માટે તેણે ક્વોલિફાયર-૨માં રમવું પડશે. બેંગલોર હવે ત્રીજી જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં રમશે.અહીં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે બેટિંગમાં નિરાશાજનક દેખાવ કર્યાે હતો અને તે પૂરી ૨૦ ઓવર પણ રમી શક્યું ન હતું.

૧૪.૧ ઓવરમાં પંજાબની ટીમ ૧૦૧ રનના કુલ સ્કોરે આઉટ થઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ સ્કોર દસ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને વટાવી દીધો હતો. ૧૦૨ રનના સામાન્ય ટારગેટ સામે રમતાં બેંગલોરે પણ પ્રારંભમાં જ વિરાટ કોહલી (૧૨)ની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ આ નુકસાન તેમને ખાસ ભારે પડ્યું ન હતું કેમ કે ફિલિપ સોલ્ટ અને મયંક અગ્રવાલે ટીમનો સ્કોર ૮૪ સુધી પહોંચાડીને ટીમના માર્ગ આસાન કરી નાખ્યો હતો. અગ્રવાલે ૧૯ રન ફટકાર્યા હતા પરંતુ તેણે સોલ્ટ સાથે ૫૪ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. ફિલ સોલ્ટ મેચને અંતે ૨૭ બોલમાં ૫૬ રન ફટકારીને અણનમ રહ્યો હતો. તેણે ત્રણ સિક્સર ફટકારી હતી. સોલ્ટે વર્તમાન સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી અને આ તમામ ૫૦+ના સ્કોર ટીમ ચેઝ કરતી હોય ત્યારે જ નોંધાયા હતા.અગાઉ પંજાબ કિંગ્સની ઇનિંગ્સનો ધબડકો થયો હતો.

ટોસ હાર્યા બાદ પહેલી બેટિંગ પંજાબના ભાગે આવી હતી પરંતુ આઇપીએલના ઇતિહાસમાં પ્લે ઓફમાં પ્રવેશેલી ટીમમાં બીજો સૌથી કંગાળ સ્કોર તેના નામે લખાઈ ગયો હતો. અગાઉ ૨૦૦૮માં દિલ્હીની ટીમ ૮૭ રનમાં આઉટ થઈ હતી. પંજાબે પ્રારંભથી જ વિકેટો ગુમાવી હતી. બીજી ઓવરમાં યશ દયાલે આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનારા ડાબેરી બેટ્‌સમેન પ્રિયાંશ આર્યાને આઉટ કર્યાે તે સાથે પંજાબની વિકેટોનું પતન શરૂ થઈ ગયું હતું.પ્રિયાંશનો સાથી ઓપનર પ્રભસિમરન થોડું ટકી શક્યો હતો પરંતુ તેની ઇનિંગ્સ દસ બોલ ચાલી હતી જેમાં તેણે ૧૮ રન ફટકાર્યા હતા અને આ સ્કોર ટીમનો બીજો સર્વાેચ્ચ સ્કોર બની રહ્યો હતો. નવમા ક્રમના અઝમતુલ્લાહે પણ ૧૮ રન ફટકાર્યા હતા જ્યારે પંજાબ માટે સર્વાેચ્ચ સ્કોર માર્કસ સ્ટોઇનિસના નામે રહ્યો હતો જેણે બેંગલોરના બોલર્સ સામે થોડો પ્રતિકાર કરીને ૧૭ બોલમાં બે સિકસર સાથે ૨૬ રન ફટકાર્યા હતા. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.