ખંડણીખોર વિશાલ ગોસ્વામીને સાબરમતી જેલની હાર્ડકોર બેરેકમાં રખાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામીએ ફોન પર ખંડણીનું નેટવર્ક ચલાવી વહેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટનાનો પર્દાફાશ થતાં જ ક્રાઈમબ્રાંચે વિશાલ ગોસ્વામી અને તેના ૪ સાગરિતોની ધરપકડ કરી હતી
આ અંગેની સઘન તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પુરા થતા જ વિશાલ ગોસ્વામી અને તેના ચાર આરોપીઓને ફરી એક વખત સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે અને વિશાલ ગોસ્વામીને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીએ મોબાઈલ ફોન મેળવી જેલમાં બેઠા બેઠા જ ખંડણીનું નેટવર્ક શરૂ કરી દીધું હતું અને પોતાના સાગરિતો મારફતે વહેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો
આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થતાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ વિશાલ ગોસ્વામી તેના સાગરિતો બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ, સુરજ, આલોકની પુછપરછ શરૂ કરી હતી ખંડણીના આ નેટવર્કમાં વિશાલ ગોસ્વામી સહિત પકડાયેલા પાંચેય શખ્સોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં
રિમાન્ડ દરમિયાન ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ કેટલીક મહત્વપૂર્ણ વિગતો મેળવી હતી. રિમાન્ડ દરમિયાન ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આરોપીઓની કરેલી પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હતો અને આ રિપોર્ટ રાજયના પોલીસવડાને સુપ્રત કરવામાં આવ્યો છે
આ દરમિયાનમાં આરોપીઓના રિમાન્ડ પુરા થઈ જતાં તેમને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે વિશાલ ગોસ્વામીને મુખ્ય જેલની હાડકોર બેરેકમાં મુકવામાં આવ્યો છે. જયારે બિજેન્દ્ર ગોસ્વામીને મુખ્ય જેલમાં અને અનુરાગ, સુરજ, આલોકને નવી જેલમાં કેદ કરવામાં આવ્યા છે આ તમામ સાગરિતોને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવનાર છે.