ખંડણીખોર વિશાલ સહિતના ત્રણ આરોપીઓ રિમાન્ડ ઉપર
અમદાવાદ: કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કર્યા બાદ શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે તેને લોખંડી પોલીસ જાપ્તા હેઠળ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની સાથે રીંકુ ઉર્ફે રાજ ગોસ્વામી અને અજય ગોસ્વામીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારપક્ષ તરફથી ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઇને સ્પેશ્યલ કોર્ટે વિશાલ ગોસ્વામી સહિત ત્રણેય આરોપીઓના સાત દિવસના એટલે કે, તા.૨૭મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ક્રાઇમબ્રાંચ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીરભાઇ બી.બ્રહ્મભટ્ટે રિમાન્ડ અરજીની સુનાવણી દરમ્યાન મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વિશાલ ગોસ્વામી સહિત ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દેશના અલગ અલગ રાજયોમાં ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં માત્ર ગુજરાત રાજયમાં જ જાવા જઇએ તો, ૨૬થી વધુ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.
વિશાલ ગોસ્વામી આ કુખ્યાત ખંડણીખોર ગેંગનો લીડર છે અને તેણે સને ૨૦૧૧થી ૨૦૧૫ દરમ્યાન અસંખ્ય વેપારીઓ સહિતના લોકોને ધમકીઓ આપી, જીવલેણ હુમલાઓ કરાવી તેઓની પાસેથી મસમોટી ખંડણી ઉઘરાવી હતી છે, તેથી આ ખંડણીના સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા આરોપીઓને સાથે રાખી તપાસ કરવી જરૂરી છે. આરોપીઓના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવવાના છે. વળી, આરોનએ સાબરમતી જેલમાં મોબાઇલ ફોન અને સીમકાર્ડ કોણ પહોંચાડતુ હતુ અને તેઓને કોણ કોણ મદદકારી કરતુ હતું,
ઉપરાંત, અત્યારસુધી આરોપીઓએ આ સમગ્ર રેકેટ દ્વારા કેટલા વેપારીઓ પાસેથી અને કેટલી રકમની ખંડણી ઉઘરાવી છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવાની જરૂર હોઇ કોર્ટે આરોપીઓના ૩૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જાઇએ. સ્પેશ્યલ પીપી સુધીરભાઇ બી.બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ કોર્ટે વિશાલ ગોસ્વામી સહિત ત્રણેય આરોપીઓના તા.૨૭મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તમને જણાવીએ કે સાબરમતી જેલમાંથી વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે વિશાલ ગોસ્વામી ગેંગનાં સભ્યો સામે ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધીને તમામ લોકોની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચે આ કેસમાં વિશાલ ગોસ્વામી, અજય ગોસ્વામી અને રિંકુ ગોસ્વામીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. કોર્ટે આ ત્રણેયનાં તા.૨૭મી જાન્યુઆરી સાંજે ચાર વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.