ખંભાત દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થવા NDRFની ટીમ તૈનાત
આણંદ: મહા વાવાઝોડું દરિયાકાંઠે આગળ ધપી રહ્યું છે. આણંદ જિલ્લામાં પણ આ મહા વાવઝોડાની સંભવિત અસરને લઇને ખંભાત તથા બોરસદ તાલુકાના ૧૫ તાલુકાના ૧૫ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. અને આ તમામ ગામોમાં લાયઝન અધિકારીઓની જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ નિમણૂંક કરવામાં આવી છે.
મહા વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા અને કોઇપણ માલ-મિલકતને નુકશાન ન થાય અને કોઇપણ માનવહાનિ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે આજે ખંભાત દરિયકાંઠાના અસરગ્રસ્ત ગામોમાં મદદરૂપ થવા માટે એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આ એન.ડી.આર.એફ.ની ટીમે આજે ખંભાત તાલુકાના રાલેજ ગામની મુલાકાત લઇ ગામના લોકો સાથે મુલાકાત કરવાની સાથે વિવિધ અસરગ્રસ્ત ગામોની પણ મુલાકાત લીધી હતી.
એન.ડી.આર.એફ.ની ટીમે ગામના નાગરિકો સાથે મુલાકાત કરી વાવાઝોડા સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેમજ અગમચેતી માટે કેવી તૈયારીઓ કરવી તેની સમજ આપી હતી.
આ ઉપરાંત ખંભાત તાલુકાના વડ ગામે પણ ખંભાતના તાલુકા વિકાસ અધિકારી સાથે તાલુકા પંચાયતના સભ્યશ્રી, સરપંચશ્રી તથા તલાટીએ પણ ગામના આગેવાનો સાથે વાવાઝોડાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી માછીમારી કરતાં માછીમારો સાથે ટેલિફોનીક સંપર્ક કરી હાલમાં દરિયો ન ખેડવા અંગેની સમજ આપી વાવાઝોડની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી હતી.