ખજાનો શોધવા પૂજા કરવાને બહાને ‘ભોંદૂ બાબા’એ પાંચ બહેનો સાથે દુષ્કર્મ આચર્યું
મુંબઈ : પુનાના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં પૂજાના બહાને બળાત્કાર ગુજરાતના આરોપી ભોંદૂ બાબાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વ્યક્તિએ ઘરમાં છૂપાયેલા ખજાનો શોધવા માટે પૂજાના બહાને એક જ પરિવારની પાંચ બહેનો પર બળાત્કાર ગુજાર્યો હતો, જેમાં ચાર સગીરાનો સમાવેશ થાય છે. જેમાંથી તમામની ઉંમર 10 થી 19 વર્ષની છે. આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ આ અંગે કોઈને કહેશે તો માતા-પિતાને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીનું અસલી નામ સોમનાથ કૈલાશ ચૌહાણ છે. એટલે સુધી કે આરોપીએ પીડાતાઓમાંથી એકની સાથે નકલી લગ્ન પણ કર્યા હતા. પાંચેય પીડિતોમાંથી મોટી બહેને સોમવારે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. આરોપીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પીડિતો સાથે દુષ્કર્મ આચર્યું હતું.
કાળા જાદુ માટે પૂજા રાખી હતી : રાયગઢના રાહોના રહેવાશી સોમનાથની ઉંમર 30 વર્ષ છે. પીડિત પરિવારના ઘરે તે આવતો જતો હતો. સોમનાથે ફરિયાદી પરિવારને કહ્યું હતું કે તેના ઘર પર કોઈએ મેલી વિદ્યા કરી છે. જેને દૂર કરવા માટે પૂજા કરવી પડશે. આ પૂજા દરમિયાન તેના ઘરમાં છૂપાયેલો ખજાનો પણ બહાર આવી શકે છે. પૂજા માટે તે અનેક વખત તેમના ઘરે રોકાઈ જતો હતો. પૂજા માટે તેણે પાંચેય છોકરીઓને કપડાં ઉતારીને પૂજા કરવાનું કહ્યું હતું. તમામ પીડિત પિતરાઈ બહેનો છે.
એક છોકરી ગાયબ થતાં માતાએ ફરિયાદ કરી : પાંચેય છોકરીઓમાંથી એક ગાયબ થઈ જતાં તેની માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે બાદમાં માલુમ પડ્યું કે છોકરીએ પોતાની મરજીથી સોમનાથ સાથે લગ્ન કરી લીધા છે. છોકરીને પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે સોમનાથ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. અન્ય છોકરીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ કહ્યું કે તેમની સાથે પણ આવું જ થયું છે.
પોક્સો અંતર્ગત કેસ દાખલ : પોલીસે આરોપીની આઈપીસીની કલમ 376, 354 અને 354એ, 376(1) (એ), 376 (એ) (બી), 494 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત પોક્સો અંતર્ગત કેસ દાખલ કર્યો છે. 2013ના એન્ટી સુપરસ્ટિશન એક્ટ અંતર્ગત પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ધાર્મિક ગુરુ હોવાનો ઢોંગ : ધરપકડ કરવામાં આવેલો ઠગ પોતાને ધાર્મિક ગુરુ કહેતો હતો. પોલીસ તપાસમાં પીડિતાઓએ ખુલાસો કર્યો છે કે આરોપી તેમને નિર્વસ્ત્ર કરીને મંત્રો બોલતો હતો. એવું પણ માલુમ પડ્યું છે કે પરિવારના મોટા લોકોને આરોપીએ પોતાનો વશમાં કરીને રાખ્યા હતા. સાથે જ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમના તમામ દુઃખો દૂર થઈ જશે.