Western Times News

Gujarati News

ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં ૯૦ લાખ રૂપિયાની ચોરી

સુરત, સુરતમાં ૯૦ લાખ રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ચોરી ખટોદરા વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસમાં થઈ છે. રાત્રે બે શખ્સો બિલ્ડરની ઓફિસમાં ઘૂસ્યા હતા અને ૯૦ લાખની રોકડ થેલામાં ભરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જાેકે, બંને તસ્કરો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેમાં તેઓ રોકડ સાથેના થેલા લઈને ભાગતા નજરે પડે છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. દિવાળી અને નવરાત્રી સમયે જ ચોરી થતાં અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર આવેલી સેન્ટ થોર્મસ સ્કૂલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણી ઓફિસ આવેલી છે.

જેમાંથી રોકડની ચોરી થઈ છે. મોડી રાત્રે બે શખ્સો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને માત્ર ૩૦ મિનિટમાં ૯૦ લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. જે રીતે ચોરી થઈ છે તેના પરથી પોલીસને એવું લાગી રહ્યુ છે કે ચોરી માટે કોઈ જાણભેદુએ જ ટીપ આપી હોઈ શકે છે.

સાથે જ આ કેસમાં અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે. ફરિયાદ પ્રમાણે ચોરી રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ થઈ હતી. આ એ સમય હતો જ્યારે ઓફિસમાં કર્મચારીઓની હાજરી હતી. કર્મચારીઓની હાજરી હોય ત્યારે બે શખ્સો ૯૦ લાખ રૂપિયા જેટલી રોકડ લઈને ફરાર થઈ જાય તે વાત પ્રથમ નજરે ગળે ઉતરે એવી નથી.

ઓફિસમાં જ્યારે ૧૦-૧૫ લોકોની હાજર હતી ત્યારે જ બે શખ્સો પાછલા બારણેથી ૩૦ મિનિટમાં ૯૦ લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ જ કારણે આ કેસમાં કોઈ જાણભેદુએ જ ટીપ આપી હોવાની આશંકા પ્રબળ બની છે. ફરિયાદ પ્રમાણે બંને શખ્સો પાછલા દરવાજેથી બિલ્ડરની ઓફિસમાં દાખલ થયા હતા.

જે બાદમાં બંનેએ ટેબલના ડ્રોઅરમાં મૂકેલી સેફની ચાલી લીધી હતી. જે બાદમાં સેફમાંથી રોકડની ચોરી કરી હતી. આ રોકડ ૯૦ લાખ રૂપિયા જેટલી હતી. જે બાદમાં બંને પાછળા દરવાજેથી જ ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ સોમવારે થઈ હતી. બિલ્ડરના કર્મચારીઓએ જ્યારે સેફ ખોલ્યું ત્યારે તેમાંથી ૯૦ લાખ રૂપિયા ગાયબ હતા. જે બાદમાં તાબડતોબ સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.