ખતરનાક વિકાસ: બગીચા તોડી પાણીની ટાંકી બનાવાશે
પાંચ સ્થળે વો.ડી.સ્ટેશન બનાવવા જમીન નથી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરીકોની સુવિધા માટે પીવાલાયક પાણીનું આગામી ૩૦ વર્ષ સુધીનું આયોજન કરવામાં આવ્યુ છે તેવા દાવા મ્યુનિ. શાસક પક્ષ તરફથી કરવામાં આવી રહયા છે તેમજ દર વરસે બજેટમાં ૧પ થી ર૦ નવી ટાંકીઓ બનાવવા માટે જાહેરાત પણ કરવામાં આવે છે પરંતુ કમનસીબે શાસકો અને વહીવટીતંત્ર દ્વારા થતી મોટાભાગની જાહેરાત માત્ર કાગળ પર જ રહે છે.
મોટા પ્રોજેકટો માટે આર્થિક સમસ્યા નડી રહી છે, જયારે વો.ડી.સ્ટેશન માટે જમીનની સમસ્યા જાેવા મળે છે. મ્યુનિ. કોર્પોરેશનના મોટાભાગના રીઝર્વ પ્લોટો પર દબાણ હોવાથી પ્રજાકીય સુવિધાના કામો અટવાઈ રહયા છે મ્યુનિ. શાસકો દ્વારા જાહેર કરવામાં આવેલા પાંચ વો.ડી સ્ટેશન માટે જમીન ઉપલબ્ધ નથી. જયારે અન્ય બે સ્થળે બગીચા તોડીને પાણીની ટાંકીઓ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૩૦૦ એમ.એલ.ડી પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી વિવિધ વિસ્તારોમાં આવેલા ર૧૧ વો.ડી સ્ટેશનોમાં સપ્લાય કરવામાં આવે છે શહેરના વ્યાપ અને વસ્તી વધારાને ધ્યાનમાં લઈને શાસકો દ્વારા નવા વો.ડી. સ્ટેશન બનાવવા માટે આયોજન કરવામાં આવી રહયા છે પરંતુ જમીન ઉપલબ્ધ ન હોવાથી પાણીની ટાંકીઓ બનાવવાના કામ અટકી ગયા છે.
મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ રીઝર્વ પ્લોટના સમયસર કબજાે ન મળવાથી તેમજ રીઝર્વ પ્લોટો પર દબાણ થઈ ગયા હોવાથી સુવિધાના કામમાં અડચણ આવી રહયા છે આવા સંજાેગોના કારણે નવા પશ્ચિમ ઝોન વિસ્તારના બે બગીચા દુર કરી તેના સ્થાને વો.ડી. સ્ટેશન બનાવવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગુરૂકુળ રોડ પર ભૈરવી પાર્ક પાસે આવેલા અંદાજે ૬પ૦૦ ચોરસ મીટરનો બગીચો તેમજ ચાંદલોડીયા તળાવ પાસે આવેલ ૩ર૦૦ ચો.મી. બગીચાની હરિયાળી દુર કરી તેના સ્થાને આર.સી.સી.ની ટાંકીઓ બનાવવામાં આવશે. તદ્પરાંત ર૦ર૦-ર૧ ના બજેટમાં ૧પ વો.ડી. સ્ટેશન બનાવવા જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી પાંચ સ્થળે જમીનનો કબજાે મળ્યો નથી જેના કારણે “વિકાસ” અટકી ગયો છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડીયા, ગોતા તેમજ ભાડજ વોર્ડ દક્ષિણ પશ્ચિમ ઝોનનો સરખેજ તથા ઉત્તરઝોનના નરોડા વોર્ડમાં પાણીની ટાંકી બનાવવા જમીન ઉપલબ્ધ નથી. મ્યુનિ. કોર્પોરેશનના ર૦૧૯-ર૦ અને ર૦ર૦-ર૧ ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ર૯ સ્થળે વો.ડી. સ્ટેશનના કામ ચાલી રહયા છે.
જેમાં પશ્ચિમ ઝોનમાં રૂા.૧ર૧ કરોડના ખર્ચથી ૦૮, પૂર્વ ઝોનમાં રૂા.૬પ કરોડના ખર્ચથી ૦૪, દક્ષિણ ઝોનમાં રૂા.૪૪ કરોડના ખર્ચથી ૦૩, ઉત્તરઝોનમાં રૂા.પ૩ કરોડના ખર્ચથી ૦૩, ઉ.પ ઝોનમાં રૂા.૯૬ કરોડના ખર્ચથી ૦પ, દ.પ. ઝોનમાં રૂા.૩૯ કરોડના ખર્ચથી ૦ર તેમજ મધ્યઝોનમાં રૂા.ર૦.૬૧ કરોડના ખર્ચે ૦૪ વો.ડી સ્ટેશનના કામ ચાલી રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.