ખતરનાક હાફિઝની ધરપકડ અંગે અમેરિકાને પણ શંકા છે
નવી દિલ્હી : મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને કુખ્યાત ત્રાસવાદી લીડર હાફિઝ સઇદની ધરપકડને લઇને અમેરિકાએ આજે મોટો ખુલાસો કર્યો છે. હવે અમેરિકાએ પણ તેની ધરપકડને લઇને શંકા વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યુ છે કે હાફિઝની ધરપકડ કરીને તેને પહેલા પણ પાકિસ્તાનમાં જેલ ભેગો કરવામાં આવ્યો છે. જા કે તેની ધરપકડ અને જેલ ભેગો કરી દેવાથી કોઇ સ્થિતી બદલાઇ નથી.
તેના ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબા પર કોઇ પણ પ્રકારની બ્રેક મુકી શકાઇ નથી. ટ્રમ્પ વહીવટી તંત્રે આ વાત એવા સમય પર કરી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આ ત્રાસવાદીને પાકિસ્તાનમાં હાલમાં જ પકડી લેવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૦૧માં ભારતીય સંસદ પર ત્રાસવાદી હુમલા બાદ તેને તરત જ પકડી લેવામાં આવ્યો હતો.
સાતમી વખત તેની ધરપકડ કરવામાં આવી ચુકી છે. અમેરિકાએ કહ્યુ છે કે ૧૦ વર્ષની શોધ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે છેલ્લા બે વર્ષમાં તેને પકડી પાડવા માટે અમેરિકા સહિતના દેશોએ ખુબ દબાણ લાવ્યુ હતુ. હાફિઝના મામલે ટ્રમ્પ પોતે જ વિવાદના ઘેરામાં આવી ગયા હતા. અમેરિકાએ કહ્યુ છે કે તે ત્રાસવાદના મુદ્દા પર ભારતના વલણની સાથે છે. અમેરિકાએ કબુલાત કરી છે કે ત્રાસવાદીઓને પાકિસ્તાની સેના સમર્થન આપે છે.
ભારતે હાલમાં જ હાફિઝની ધરપકડને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ મામલાને નાટક તરીકે ગણાવી ટિકા કરી હતી. પાકિસ્તાન વર્ષોથી ત્રાસવાદના મુદ્દા પર વિશ્વના દેશોને ગેરમાર્ગે દોરી રહ્યુ છે. જેથી અમેરિકા પણ હવે નક્કર કાર્યવાહી ઇચ્છે છે. આગામી દિવસોમાં પાકિસ્તાન પર દબાણ વધી શકે છે.