ખનીજ માફિયાએ રોયલ્ટી ઇન્સ્પેકટરને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાં લાલ માટી,મોરમ,રેતી-કપચીનું મંજૂરી મેળવીને તે સિવાયના સ્થળે કે મંજુરીથી વધુ વિસ્તારોમા કે મંજુરી મેળવ્યા વગર જ ખનીજ ચોરી અનેક જગ્યાએથી થાય છે તે જગજાહેર બાબત છે,
આવા સ્થળો લગત વિભાગથી અજાણ હોય તેવુ તો બને નહી માટે ક્યારેક ઇન્સ્પેક્શન ક્યારેક ખનીજ ભરેલા વાહન ડીટેઇન કરવા નાના મોટા કેસ કરવા વગેરે છમકલા તો તંત્ર કરે છે કેમકે થોડો કલર બતાવે તો જ ભોગ કોઇ ધરવા લાગે ને? હાલ ખાણખનીજ વિભાગના બે કર્મચારીઓ ખનીજ માફિયાઓને છાવરતાં હોવાની બૂમો ઉઠી રહી છે
ત્યારે દૂધ પાઈને મોટા કરેલ ખનીજ માફિયાઓ હવે ખનિજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને ફૂંફાડા મારી રહ્યા હોય તેવી ઘટના બનતા ભારે ચકચાર મચી છે
રોયલ્ટી ઇન્સ્પેકટર ધવલ સતપુતે રાજસ્થાનના ખનીજ માફિયાની ઓવરલોડ ટ્રક પકડતા જાનથી મારી નાખવાની ખનીજ માફિયાએ ધમકી આપતાં રોયલ્ટી ઈન્સ્પેક્ટરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સતપુતે અને તેમની ટીમે મોડાસા શહેરની દેવરાજ ચોકડી નજીક બિનઅધિકૃત ખનીજ ખોદકામ-વહન-સંગ્રહની પ્રવૃત્તિઓની તપાસમાં હતા.
આ દરમ્યાન એક ટ્રક આવતાં તે રોકી વજન કરાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ટ્રક માલિક ફોર્ચ્યુનર ગાડી લઇ ઘટનાસ્થળે પહોંચી ટ્રક છોડી દેવા માથાકૂટ કરી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તણુક અને ધક્કામુકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં રોયલ્ટી ઇન્સ્પેકટર ફફડી ઉઠ્યા હતા
અને સમગ્ર ઘટના અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ખનીજ માફિયા અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી સમગ્ર ઘટનાને વહીવટી આલમમાં ખળભળાટ મચ્યો છે મોડાસા ટાઉન પોલીસે શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અરવલ્લી ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ઓવરલોડ રેતી ભરીને જતાં ટ્રકને રોકતાં તેમને ધમકી અપાઇ હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત તા.2 ફેબ્રુઆરીના રોજ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ રેતી ભરીને જતી એક ટ્રકને રોકાવી હતી.
જેમાં ચાલકની પુછપરછ કરતાં આ રેતી સાગવાડા-રાજસ્થાન લઇ જવાતો હોવાનું કહ્યું હતુ. જેથી ખાણખનીજની ટીમે તપાસ કરતાં રોયલ્ટી પાસ કરતાં વધુ રેતી ભરી હોઇ તેને સાઇડમાં કરવા કહ્યું હતું.
રેતીનું વજન કરાવવા સહિતની કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન ટ્રકના માલિક રાજસ્થાન સીમલવાડાના ભાવેશ કલાલ આવી જતાં તેણે રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ટ્રક ભગાડી મુકી હતી. સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખાણખનીજની ટીમે તાત્કાલિક ભાગેલ ટ્રકનો મેધરજ-ઉન્ડવા રોડ પર પીછો કરતાં તે મળી ન હતી.
આ દરમ્યાન ટ્રકનો માલિક પોતાની ખાનગી કાર લઇને રસ્તા વચ્ચે ઉભી રાખી ફરજમાં રૂકાવટ કરી હતી. આ સાથે સરકારી ગાડીને લાત મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ગતિવિધિનો વિડીયો બનાવી અમારી ગાડી પકડવાની કોઇપણ અધિકારીમાં હિંમત નથી અને અમો સીમલવાડા એરીયાના મોટા ડોન છીએ કહી વિડીયો વાયરલ કર્યો હતો.
જેને લઇ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ટ્રક માલિક ભાવેશ કલાલ અને કમલેશ નામના ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા મોડાસા પોલીસે આરોપીઓ સામે આઇપીસી 379, 504, 186, 188, 503, 506(2) , એમએમડીઆરની કલમ 4(1)(a),21 અને ગુજરાત ખનીજ ખાણ અને હેરફેર સંગ્રહ નિવારણ 2005ની કલમ 21 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.