ખરાબ પિચથી સ્ટેડિયમને ૧૨ માસ સસ્પેન્ડ કરી શકાય
નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ હતી. ત્રીજી મેચમાં હાર બાદ અમદાવાદની પિચ અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ચેન્નઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની હાર બાદ પણ પિચ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પિચ સામે સવાલ ઉઠાવનારાઓને સુનિલ ગાવસ્કરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ પિચ પર રોહિત શર્મા અને જેક ક્રાઉલીએ અડધી સદી ફટકારી. ઇંગ્લેન્ડ રન કરવાની જગ્યાએ વિકેટ બચાવવાનું વિચારી રહ્યું હતું.
પિચ અંગે વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે આપણે જાણીએ ખરાબ પિચ કોને કહેવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમ શું કહે છે. આઇસીસીના નિયમ અનુસાર , ખરાબ પિચ તેને કહેવાય જ્યાં બેટ અને બોલ વચ્ચે બરાબરીનો મુકાબલો થતો નથી. તે પિચ પર બેસ્ટમેનને વધુ મદદ મળે અને બોલર્સને કોઇ મદદ ન મળે.
પછી તે ફાસ્ટ બોલર હોય કે સ્પિનર. સાથે જ તે પિચ જેની પર બોલર્સને ભરપૂર મદદ મળે, જ્યારે બેસ્ટમેનને કોઇ મદદ ન મળે.એક પિચને ખરાબની રેટિંગ ત્યારે મળે છે, જ્યારે તેની પર સ્પિન બોલર્સને વધુ પડતી મદદ મળતી હોય. ખાસ કરીને મેચના શરૂઆતના દિવસોમાં. જાે કે, એશિયાની પિચોને આમાં થોડી રાહત આપવામાં આવી છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રથમ દિવસથી જ સ્પિનર્સને મદદ મળવી નક્કી મનાય છે, જે સ્વીકાર્ય પણ છે.
આઇસીસીના નિયમ પ્રમાણે, અસામાન્ય ઉછાળ સ્વીકાર્ય નથી. તે નક્કી છે કે જેમ-જેમ રમત આગળ વધશે પિચથી સ્પિનર્સને વધુ મદદ મળશે અને અસમાન ઉછાળ પણ હોઇ શકે છે.
જાે પિચને ખરાબ ગણવામાં આવે તો તેને ત્રણ ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવે છે. જે પિચને ખરાબ અથવા અનફિટ નક્કી કરાય છે તેને ત્રણ અને પાંચ ડિમેરિટ પોઇન્ટ મળે છે. આઇસીસી અનુસાર, ડિમેરિટ પોઇન્ટ પાંચ વર્ષ સુધી લાગુ રહે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આયોજન માટે ૧૨ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.